રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમ માટે અંબાણી, અદાણીને પણ આમંત્રણ

અયોધ્યાઃ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું પૂરું આયોજન થઈ ચૂક્યું છે. પાંચ ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના ભૂમિ પૂજન વખતે ઉપસ્થિત રહેનારા ખાસ મહેમાનોની યાદી તૈયાર છે. આ ભૂમિપૂજન સમારોહમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી, RSS પ્રમુખ મોહન ભાગવત, ભૈયુજી જોશી, અને ડો. કૃષ્ણગોપાલને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. 200 મહેમાનોની યાદીને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે. એમાં કલા, સાહિત્ય, સંસ્કૃતિ અને ઔદ્યોગિક ક્ષેત્રથી જોડાયેલા ટોચના લોકો સામેલ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીનું નામ પણ આમાં સામેલ છે.

શ્રીરામ જન્મભૂમિના પ્રાંગણમાં મહેમાનો માટે 30,000 સ્ક્વેર ફૂટનો પંડાલ

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિના પ્રાંગણમાં મહેમાનો માટે 30,000 સ્ક્વેર ફૂટનો પંડાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પંડાલ સંપૂર્ણ રીતે વોટરપ્રૂફ જર્મન હેન્ગર હશે. વરસાદની આશંકાને જોતાં આયોજકોએ જર્મન હેન્ગર લગાવવાનો નિર્ણય કર્યો છે. આ રેડીમેડ ફોલ્ડિંગ પંડાલ હોય છે. વડા પ્રધાન મોદી સહિત અન્ય પસંદગીના અતિથિઓ માટે 1800 સ્ક્વેર ફૂટનો મંચ તૈયાર થશે. આ મંચથી વડા પ્રધાન મોદી હાજર રહેલા અતિથિઓને સંબોધિત કરશે.

પંડાલમાં આશરે 250 વ્યક્તિઓને બેસવાની ક્ષમતા

આ મંચની સામે પંડાલ બાંધવામાં આવશે, જેમાં આશરે 250 વ્યક્તિઓની બેસવાની ક્ષમતા હશે. એમનાં બે ગજની દૂરી પર બેસવા માટે ખુરસીઓ રાખવામાં આવશે. ભૂમિપૂજન માટે એક નાનો પંડાલ અલગથી બનાવવામાં આવશે, જેમાં બેસીને વડા પ્રધાન મોદી મંદિર નિર્માણનું ભમિપૂજન કરશે અને આધારશીલા રાખશે. વડા પ્રધાન માટે વાતાનુકૂલિત (AC) સેફ હાઉસ અલગથી બનાવવામાં આવશે.

આમંત્રિત લોકોની ત્રણ અન્ય શ્રેણીઓમાં અનેક મહાનુભાવો

આ સિવાય આમંત્રિત લોકોની ત્રણ અન્ય શ્રેણીઓમાં વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘના પદાધિકારીઓ તથા મંદિર આંદોલનથી જોડાયેલા અગ્રણી નેતાઓ, સ્થાનિક સંત-મહંત, સમાજસેવી કેન્દ્રીય પ્રધાન, રાજકારણીઓ, જનપ્રતિનિધિઓ અને ટોચના અધિકારીઓ સામેલ છે.

શ્રીરામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમ માટે કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. રસ્તાથી લઈને આકાશ સુધી દેખરેખ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભૂમિપૂજન સ્થળે SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ અને CRPFનો કડક જાપ્તો હશે. ત્યાર બાદ PAC (પ્રાંતીય સશસ્ત્ર દળ) અને પોલીસની સુરક્ષા-વ્યવસ્થા રાખવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]