પ્રિયંકા, પતિ નિકે આસામ પૂરપીડિતોની મદદ માટે દાન કર્યું

મુંબઈ/ન્યૂયોર્કઃ બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા-જોનસ અને એનાં અમેરિકન પતિ નિક જોનસે આસામ રાજ્યમાં હાલ આવેલા ભયાનક પૂરમાં ફસાયેલા લોકોને મદદરૂપ થવા માટે દાન કર્યું છે અને લોકોને અપીલ પણ કરી છે કે તેઓ પણ રાજ્યના લોકોને મદદરૂપ થવા માટે દાન કરે.

આસામમાં પૂરની આફતને કારણે 100 જેટલા લોકો માર્યા ગયા છે અને 130 જેટલા ઢોર-ઢાંખરનો પણ ભોગ લેવાઈ ગયો છે.

અભિેનત્રી-ગાયક દંપતીએ સોશિયલ મિડિયા પર આ જાણકારી શેર કરી. એમણે અમુક સંસ્થાઓના નામ પણ આપ્યાં છે જેઓ આસામમાં પૂર રાહત અને બચાવ કામગીરીઓ કરી રહી છે. લોકો આ સંસ્થાઓને દાન મોકલી શકે એ માટે પ્રિયંકા-નિકે તેમના નામ આપ્યાં છે.

પ્રિયંકાએ એક ટ્વીટમાં લખ્યું છે કે આપણે હજી પમ કોરોના જાગતિક મહાબીમારીનો સામનો કરી રહ્યાં છીએ ત્યારે ભારતનું આસામ રાજ્ય એક અન્ય મોટી આફત સામે ઝઝૂમી રહ્યું છે. તે રાજ્યમાં હાલ ચોમાસાના ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે, જેને કારણે લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

પ્રિયંકાએ વધુમાં લખ્યું છે કે, આસામના પૂરપીડિતોને આપણી મદદની જરૂર છે. હું અમુક વિશ્વસનીય સંગઠનોની વિગત શેર કરું છું જે આસામમાં ગ્રાઉન્ડ લેવલ પર અમુક સારા કાર્યો કરે છે. મેં અને નિકે પૂરગ્રસ્તોને રાહત પહોંચાડવા માટે દાન કર્યું છે. આવો આપણે એવા સંગઠનોનું સમર્થન કરીએ જેથી તેઓ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું ચાલુ રાખી શકે.

પ્રિયંકાએ એમ પણ લખ્યું છે કે પૂરને કારણે જાન-માલને થયેલા નુકસાનનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. પૂરનાં પાણી ઝડપથી વધી રહ્યાં હોવાથી કાઝીરંગા નેશનલ પાર્કમાં પણ પૂરનાં પાણી ઘૂસ્યા છે. વિશ્વમાં શ્રેષ્ઠ વન્યજીવ અભ્યારણ્યોમાંનું આ એક છે.

પ્રિયંકાએ બે સંસ્થાનો ઉલ્લેખ પણ કર્યો છે – એક્શન એઈડ અને રેપિડ રીસ્પોન્સ. આ બંને સંસ્થાનાં લોકો આસામનાં પૂરપીડિતોને ઉગારવાની કામગીરી બજાવી રહ્યા છે.

નિક જોનસે પણ તેના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર આ જ સંદેશ શેર કર્યો છે. બંને જણે એક્શન એઈડ અને રેપિડ રીસ્પોન્સ સંસ્થાઓની વિગતો શેર કરી છે.

આસામમાં બ્રહ્મપુત્ર નદીમાં પૂર આવતાં 2,543 ગામો ડૂબાણ હેઠળ જતા રહ્યા છે. 1.22 લાખ હેક્ટર જમીન પર પાક નાશ પામ્યો છે. હાલ 50,136 લોકો 496 રાહત શિબિરમાં રહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]