અક્ષયે 6 કમર્શિયલ જાહેરખબરો માટે શૂટિંગ ફરી શરૂ કર્યું

મુંબઈઃ કોરોના વાઈરસના ફેલાવાને કારણે લોકડાઉન-નિયંત્રણો લાગુ કરાયાના મહિનાઓ પછી મળેલી થોડીક છૂટછાટ દરમિયાન કમર્શિયલ જાહેરખબર માટે શૂટિંગ ફરી શરૂ કરનાર અક્ષય કુમાર બોલીવૂડનો પહેલો મોટો કલાકાર છે. આ ઉપરાંત તે પોતાની નવી હિન્દી ફિલ્મ ‘બેલ બોટમ’ના શૂટિંગ માટે ટૂંક સમયમાં સ્કોટલેન્ડ પણ જવાનો છે.

અક્ષયે એક નહીં, પણ છ ટીવી કમર્શિયલ જાહેરખબરો માટે શૂટિંગ ફરી શરૂ કર્યું છે. આ શૂટિંગ 9-દિવસમાં પૂરું કરવામાં આવશે અને ત્યારબાદ સુપરસ્ટાર સ્કોટલેન્ડ જવા માટે રવાના થશે. ત્યાં એની ‘બેલ બોટમ’ ફિલ્મનું શૂટિંગ થવાનું છે.

દેશભરમાં કોરોનાવાઈરસ કટોકટી ફરી વળી છે તેવામાં અક્ષયે લગભગ 400 ટેક્નિશિયનો સાથે શૂટિંગનું કામ ફરી શરૂ કર્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમ પાળવા માટે શૂટિંગમાં માત્ર 33 ટકા કર્મચારીઓને જ હાજર રાખવાના છે. સામાન્ય રીતે પ્રત્યેક એડ શૂટિંગમાં અસંખ્ય લોકોને સામેલ કરાતા હોય છે, પણ હાલના તબક્કે માત્ર 30-35 ટેક્નિશિયનો તથા સ્ટાફનો ઉપયોગ કરવામાં આવે છે. શૂટિંગ માટે હાલ આ નવા નિયમો લાગુ કરાયા છે.

નિર્માતા નિખિલ અડવાનીએ એમની ‘બેલ બોટમ’ ફિલ્મનું શૂટિંગ સ્કોટલેન્ડમાં કરવાનું નક્કી કર્યું છે. એ માટે અડવાની અને અક્ષય વચ્ચે તાજેતરમાં બેઠક પણ થઈ હતી. બેલબોટમમાં અક્ષય ઉપરાંત લારા દત્તા-ભૂપતિ, હુમા કુરૈશી, વાણી કપૂર પણ મહત્ત્વની ભૂમિકાઓમાં છે.

ફિલ્મના દિગ્દર્શક રણજીત તિવારી છે. વાશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ, મોનિષા અડવાની, મધુ ભોજવાની, નિખિલ અડવાની ફિલ્મના નિર્માતાઓ છે.

ફિલ્મ 2021ની 2 એપ્રિલે રિલીઝ કરવાનું નિર્ધારિત છે.

‘બેલ બોટમ’ ઉપરાંત અક્ષયની નવી ફિલ્મ આવી રહી છે ‘લક્ષ્મી બોમ્બ’. એ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. એની તારીખ હજી જાહેર થવાની બાકી છે. રોહિત શેટ્ટી દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષયની હિરોઈન છે કેટરીના કૈફ.