નવી દિલ્હીઃ દિલ્હીના રોહિણીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી મોડી રાત્રે 20 દર્દીઓનાં મોત થયાં છે. હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટરનું કહેવું છે કે સરકાર દ્વારા હોસ્પિટલને 3.5 મેટ્રિક ટન ઓક્સિજન એલોટ કરવામાં આવ્યો હતો, જેને ગઈ કાલે ફરીથી રિફિલ કરવાનો હતો, પણ મોડી રાત સુધી રિફિલ નહોતો થયો. શુક્રવારે રાતે 1500 લિટર રિફિલિંગ કરવામાં આવ્યો હતો. જેને કારણે હોસ્પિટલની પાસે ઓક્સિજન ખલાસ થઈ ગયો અને 20 કોવિડ દર્દીનાં મોત થયાં.
હોસ્પિટલે જણાવ્યું હતું કે અહીં 215 કોવિડ દર્દીઓ છે, જેમને ઓક્સિજનની જરૂર છે. પ્રાપ્ત માહિતી અનુસાર બધા દર્દીઓની હાલત ઘણી ગંભીર હતી. અહીં ઓક્સિજનનું લો પ્રેશર હતું. એના પર ઓક્સિજન 5.30 કલાકે પહોંચવાનો હતો, જે 12 કલાકે પહોંચ્યો હતો.
શનિવારે સવારે દિલ્હીની કેટલીય હોસ્પિટલોએ ઓક્સિજનની અછતને લઈને ઇમર્જન્સી સંદેશ જારી કર્યો છે. રોહિણીની એક અન્ય સરોજ હોસ્પિટલે ઓક્સિજનની અછતને પગલે હાથ ઊંચા કરી દીધા છે. હોસ્પિટલ દ્વારા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે.
દિલ્હીમાં ગુરુવારે રાતે 25 દર્દીનાં મૃત્યુ ઓક્સિજનની અછતને કારણે થયાં હતાં. જોકે પછીથી હોસ્પિટલ પ્રશાસને સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે આ દર્દીઓની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. ઓક્સિજનની અછતને કારણે તેમનાં મૃત્યુ થયાં નથી. ગંગારામ હોસ્પિટલમાં શુક્રવારે ઓક્સિજનની અછત પણ સર્જાઈ હતી.