નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.03 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 19,079 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 224 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,03,05,788 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,49,218 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 99,063,387 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 22,926 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,50,183એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.12 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.
કોવિશિલ્ડને દેશમાં ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી
દેશમાં કોરોનાના વ્યાપક રસીકરણ માટે શનિવારે દેશવ્યાપી ડ્રાય રન યોજાવાની છે એ પહેલાં જ લોકોને નવા વર્ષની ભેટ મળી છે. કોવિશિલ્ડને દેશમાં ઇમર્જન્સી ઉપયોગ માટે એક્સપર્ટ પેનલની મંજૂરી મળી ગઈ છે. સિરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા દ્વારા વિકસાવવામાં આવી રહેલી ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસીને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.