ટાર્ગેટ કિલિંગ પછી જમ્મુમાં CRPFના 1800 જવાનો તહેનાત

જમ્મુઃ રાજૌરી જિલ્લાના ઢાંગરી ગામમાં છ નિર્દોષ લોકોના હત્યારાના આંતકવાદીઓને હવે નહીં બચે. કેન્દ્ર સરકારે આ આતંકવાદી ઘટનાની કડક નોંધ લેતાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ની 18 વધારાની ટુકડીઓને રાજૌરી અને પૂંચ જિલ્લામાં તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે. એમાંથી આશરે આઠ કંપનીઓ છેલ્લા 24 કલાક દરમ્યાન આ બંને જિલ્લાઓમાં પહોંચી ચૂકી છે અને બાકીની આગામી દિવસોમાં પહોંચશે. પ્રત્યેક ટુકડીમાં સામાન્ય તરીકે 100 જવાન અને અધિકારી હોય છે.

આ જવાનોની તહેનાતી ઢાંગરી અને આસપાસના ક્ષેત્રમાં શરૂ થશે. પાકિસ્તાની જાસૂસી ISI દ્વારા છેલ્લા સમયથી જમ્મુમાં નિયંત્રણ રેખાની સાથે આવેલા રાજૌરી અને પૂંચ જિલ્લામાં ફરીથી ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ ષડયંત્ર હેઠળ આતંકવાદીઓએ ગયા રવિવારે સાંજે અને સોમવારે સવારે હિન્દુ બહુમતી ઢાંગરી ગામમાં ગોળીબારની સાથે IED ધડાકો કર્યો હતો. રાજૌરી અને પૂંચ જિલ્લાઓમાં પહેલેથી CRPFની કેટલીક કંપનીઓ તહેનાત છે.

આ ટુકડીઓ સામાન્ય રીતે મહત્ત્વની ઇમારતોની સુરક્ષાની જવાબદારી સંભાળવા સિવાય કાનૂન વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસને સહયોગ કરે છે. આ બંને જિલ્લાઓમાં અત્યાર સુધી તેમની આતંકવિરોધી ઝુંબેશમાં ભૂમિકા કાશ્મીરની તુલનામાં સીમિત રહી છે. રાજૌરી-પૂંચમાં 18 વધારાની કંપનીઓને તહેનાત કરવામાં આવી રહી છે, એમાંથી આઠ બુધવાર બપોર સુધી સંબંધિત જિલ્લાઓમાં પહોંચી ચૂકી છે, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું, એમાંથી કેટલીક ટુકડીઓ કાશ્મીર ખીણમાંથી અને કેટલીક દિલ્હીથી પહોંચી છે.