રશિયાએ એટલાન્ટિકમાં હાઇપરસોનિક મિસાઇલ ઝિરકોન તહેનાત કરી

મોસ્કોઃ વિશ્વ એક બાજુ અપેક્ષા કરી રહ્યું છે કે રશિયા નવા વર્ષે યુક્રેન સાથે જંગ ખતમ કરવાનું એલાન કરે, પણ એનાથી ઊલટું રશિયે યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. એ સાથે અમેરિકા અને પશ્ચિમી દેશોને રશિયાએ જણાવી દીધું છે કે એ કોઈ પણ કિંમતે આ યુદ્ધમાં પાછળ નહીં હટે. રશિયાને તોડવા માટે અમેરિકા અને નાટોએ પૂરી તાકાત લગાવી છે, પણ એ કશું નથી કરી શક્યા. ઊલટાનું રશિયાની સામે લગાવવામાં આવેલા પ્રતિબંધોથી અવળી અસર પશ્ચિમી દેશો પર થઈ છે.

બીજી બાજુ, રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને એટલાન્ટિકમાં વિશ્વની સૌથી ઝડપી મિસાઇલ ઝિરકોન તહેનાત કરી દીધી છે. રશિયાની નેવી ઝિરકોન મિસાઇલ લઈને એક સબમરીન એટલાન્ટિક મહાસાગર પહોંચી છે. પુતિનના આ પગલાથી પશ્ચિમ માટે સંકેત છે કે રશિયા કોઈ પણ કિંમતે યુક્રેન યુદ્ધથી પાછળ હટવાનું નથી.

હાઇપરસોનિક મિસાઇલ ઝિરકોન 11,000 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ ઝડપથી ઉડાન ભરવા સક્ષમ છે. રશિયાની એ હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ 1000 કિલોમીટરના અંતર સુધી વાર કરી શકે છે. આ મિસાઇલથી દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમ પણ ઇન્ટરસેપ્ટ કરવામાં સક્ષમ નથી. ચીન અને અમેરિકા હવે હાઇપરસોનિક મિસાઇલ વિકસિત કરવાની રેસમાં છે. રશિયાના સંરક્ષણપ્રધાને જણાવ્યું હતું કે આ સબમરીન ઝિરકોન હાઇપરસોનિક મિસાઇલથી લેસ હતી. હાઇપરસોનિક મિસાઇલ કોઈ પણ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને માત આપવા સક્ષમ છે, એમ તેમણે કહ્યું હતું.