ભારત-શ્રીલંકા T20-શ્રેણીથી સ્ટાર સ્પોર્ટ્સને કરોડોનું નુકસાન ગયું

મુંબઈઃ નવું 2023નું વર્ષ શરૂ થયું છે એ સાથે જ ટીમ ઈન્ડિયાએ પોતાના નવા ક્રિકેટ મિશનની શરૂઆત કરી દીધી છે. ભારતીય ટીમ અને શ્રીલંકા ટીમ વચ્ચે હાલ ઘરઆંગણે 3-મેચોની T20 સીરિઝ રમાઈ રહી છે. પહેલી મેચ ભારત 2-રનથી જીત્યું હતું. આજે પુણેમાં બીજી મેચ રમાવાની છે.

આ શ્રેણીની દરેક મેચ બતાવવા માટે સ્ટાર સ્પોર્ટ્સ ચેનલને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) પાસેથી રૂ. 60 કરોડ એક લાખ મળે છે. પરંતુ, સ્ટાર સ્પોર્ટ્સને હજી સુધી માત્ર 30-40 ટકાની જ કમાણી થઈ છે. એવો અહેવાલ છે કે કંપનીને રૂ.200 કરોડની ખોટ ગઈ છે. સ્ટારને માત્ર ટીવી પર જ જાહેરખબરો બતાવવાની છૂટ છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર નહીં. આને કારણે ચેનલને મોટી ખોટ ગઈ છે. આ શ્રેણી માટે સ્ટાર સ્પોર્ટ્સ પાસે હવે માત્ર બે-ત્રણ એડવર્ટાઈઝર જ બચ્યા છે. સ્ટારના અધિકારીનું કહેવું છે કે મોટી કંપનીઓ જાહેરખબરો આપવાનું ટાળે છે.

નવાઈની વાત એ છે કે, ડિજિટલ પ્લેટફોર્મ હોટસ્ટાર પાસે પણ એકેય જાહેરખબર નથી. આનું કારણ એ જોવાય છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે આ સીરિઝ માટે રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ જેવા વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપ્યો છે. જ્યારે જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, રિષભ પંત પણ ઈજા સહિતના કારણોસર ટીમની બહાર છે. બોર્ડે મોટે ભાગે યુવા ખેલાડીઓને ચાન્સ આપ્યો છે. પરંતુ, આને કારણે એડવર્ટાઈઝર્સનો જાહેરખબર પાછળ પૈસા ખર્ચવાનો ઉત્સાહ ઘટી ગયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]