કાંકેરઃ દેશમાં 19 એપ્રિલથી પહેલા તબક્કાનું મતદાન થવાનું છે, પણ છત્તીસગઢના કાંકેરમાં ચૂંટણી પહેલાં પોલીસ અને નકસ્લવાદીઓની વચ્ચે થયેલી અથડામણમાં ટોપ કમાન્ડર શંકર રાવ સહિત 18 નકસવાદીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટરમાં ત્રણ જવાન પણ ઇજાગ્રસ્ત થયા છે.
પોલીસ અને નક્સલીઓની વચ્ચે આ અથડામણ છત્તીસગઢના કાંકેર જિલ્લાના છોટે બેઠિયા સ્ટેશન વિસ્તારમાં થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ ઘટનાસ્થળેથી પાંચ એકે47 અને LMG હથિયાર પણ જપ્ત કર્યા છે. આ એન્કાઉન્ટરમાં એક ઇન્સ્પેક્ટર સહિત ત્રણ જવાન ઘાયલ થયા છે. BSF અને DRGની ટીમો દ્વારા 16 એપ્રિલે કાંકેરના ગામ બીનાગુંડામાં એક સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, ત્યારે BSF ઓપ્સ પાર્ટી પર CPI માઓવાદી કેડરોનો ગોળીબાર થયો હતો અને BSF સૈનિકોએ તેમની વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરી હતી. આ સિવાય એક BSF કર્મચારીને પગમાં ગોળી વાગી હતી અને હવે તે ખતરાથી બહાર છે.
કાંકેર જિલ્લામાં ગત મહિને પણ ત્રીજી માર્ચે હિદૂર વિસ્તારમાં અથડામણ થઈ હતી. હિદૂરના જંગલમાં થયેલી અથડામણમાં એક જવાન શહીદ થઈ ગયો હતો. જવાનનું નામ બસ્તર ફાઈટર્સ આરક્ષક રમેશ કુરેઠી હતું. સુરક્ષા દળોને અહીંથી એક માઓવાદીની લાશ સાથે એકે-47 મળી હતી. જાણકારી અનુસાર આ અથડામણ ત્યારે થઈ હતી, જ્યારે એક જવાન હિદૂર જંગલમાં સર્ચિંગ માટે નીકળ્યો હતો. તેઓ અંદરના વિસ્તારમાં પહોંચ્યા જ હતા કે નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. આ અથડામણ એક કલાક સુધી ચાલી હતી.
ગયા વર્ષે લોકસભામાં રજૂ થયેલા ડેટા મુજબ છત્તીસગઢમાં વર્ષ 2022માં રાજ્યમાં 305 નક્સલી હુમલા થયા હતા. આ પહેલાં સરકારે સંસદમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં નક્સલી હુમલામાં સાત જવાન શહીદ થયા હતા.