બેલેટ પેપર પર પરત ફરવાથી અનેક નુકસાનઃ SC

નવી દિલ્હીઃ ચૂંટણીમાં EVMની જગ્યાએ મતપત્રોના ઉપયોગને લઈને જારી ચર્ચાઓની વચ્ચે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બેલટ પેપર પર પરત ફરવાથી કેટલાય નુકસાન છે. કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્નાએ EVMને દૂર કરવાની અરજીના પક્ષમાં પોતાની રજૂઆત કરી રહેલા પ્રશાંત ભૂષણને સવાલ કર્યો હતો કે હવે તમે શું ઇચ્છો છો? પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે પહેલાંના મતપત્રો પરત લાવવામાં આવે. બીજું 100 ટકા VYPAT સાથે મેળ કરાવવામાં આવે.

કોર્ટે કહ્યું હતું કે દેશમાં 98 કરોડ મતદાતાઓ છે. તમે ઇચ્છો છો કે 98 કરોડ મતોની ગણતરી થાય. ભૂષણે કહ્યું હતું કે બેલેટથી મત આપવાનો અધિકાર આપી શકાય છે અથવા VYPATમાં જે પર્ચી છે એને મતદાતાઓને આપવામાં આવે અને VYPATની ડિઝાઇન બદલવામાં આવે, જેવી રીતે જર્મનીમાં થાય છે.

જસ્ટિસ દીપાંકર દત્તાએ ભૂષણને સવાલ કર્યો હતો કે જર્મનીની જનસંખ્યા કેટલી છે? એના જવાબમાં ભૂષણે જણાવ્યું હતું કે પાંચથી છ કરોડ અને ભારતમાં 98 કરોડ. જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે શું 98 કરોડ VYPAT પર્ચીઓની ગણતરી થવી જોઈએ, પણ એની ગણતરીમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે 12 દિવસથી વધુ સમય લાગશે.

EVM ચિપનો પ્રોગ્રામ કરી શકાય છે. મોટા ભાગના યુરોપિયન દેશ EVMથી બેલેટ પેપર્સ પર ફરી પરત ફરી રહ્યા છે, એમ ભૂષણે કહ્યું હતું. અરજીકર્તાઓ તરફથી એડવોકેટ પ્રશાંત ભૂષણ, ગોપાલ, શંકરનારાયણ અને સંજય હેગડેએ રજૂઆત કરી હતી.