મિઝોરમમાં ‘રેમલ’ની અસરે ભૂસ્ખલનથી 17નાં મોત

આઇઝોલઃ મિઝોરમની રાજધાની આઇઝોલમાં હાલ ભારે વરસાદને કારણે અને પથ્થરની ખાણ ખસવાને (ભૂસ્ખલન) કારણે કમસે કમ 15 લોકોનાં મોત થયાં છે, જેમાં એક પથ્થરની ખાણ ધસી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. મોતનો આ આંકડો વધવાની દહેશત છે. આ કાટમાળમાં હજી અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાહત અને બચાવ કાર્ય જારી છે.

રાજ્યમાં ભારે વરસાદને પગલે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દુર્ઘટના આઇઝોલના દક્ષિણના બહારના ભાગમાં મેલ્થમ અને હિમેનની વચ્ચેના વિસ્તારમાં સવારના આશરે છ કલાકે થઈ હતી. આ વિસ્તારમાં સતત વરસાદને પગલે ભૂસ્ખલન થતાં આ દુર્ઘટના બની હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હજી કેટલાય લોકો ફસાયેલા છે, જેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન જારી છે. આ વિસ્તારમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે રેસ્ક્યુ ઓપરેશન બંધ થયું છે. આ ભૂસ્ખલનને કારણે કેટલાય હાઇવે અને મુખ્ય માર્ગો પણ બંધ કરવામાં આવ્યા છે. હંથરમાં નેશનલ હાઇવે છ પર ભૂસ્ખલનને કારણે આઇઝોલનો સંપર્ક દેશના બાકીના ભાગોથી કપાઈ ગયો છે.

રાજ્યના મુખ્ય મંત્રી લાલદુહોમાએ જણાવ્યું હતું કે મોતની સંખ્યા 17 હતી. અમે રાહત કાર્ય માટે રૂ. 15 કરોડની રકમ જાહેર કરી છે અને આજે જ અમે મૃતકોના પરિવારજનોને આ મદદ કરીશું. સરકારે મૃતકોના પરિવારોને રૂ. ચાર લાખની સહાય મંજૂર કરી છે.