વૈષ્ણોદેવી મંદિરમાં ‘મોત’ની ધક્કામુક્કીઃ 13નાં મોત, 15 ઘાયલ

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના માતા વૈષ્ણોદેવી મંદિરમાં નવા વર્ષે દુખદ ઘટના બની છે. મંદિરમાં ભાગદોડમાં 13 શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે અને 15 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડને લીધે ધક્કામુક્કી થઈ હતી. આ ઘટના ત્રિકુટા પહાડીઓ પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર થઈ હતી. આ દુર્ઘટના સવારે બેથી 2.30 કલાકે થઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ ભાગદોડ એ સમયે થઈ હતી, જ્યારે નવા વર્ષના પ્રારંભે શ્રદ્ધાસુમન અર્પણ કરવા પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓની ભારે ભીડ વૈષ્ણોદેવી ભવનમાં જમા થઈ હતી. શ્રાઇન બોર્ડના પ્રતિનિધિઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલોમાં કેટલાકની હાલત હજી પણ ગંભીર જણાવવામાં આવી રહી છે.

વડા પ્રધાન મોદીએ ભાગદોડની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ઉપ-રાજ્યપાલ મનોજ સિંહા અને કેન્દ્રીય પ્રધાનો જિતેન્દ્ર સિંહ અને નિત્યાનંદ રાયથી વાત કરીને સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો.

વડા પ્રધાને ભાગદોડમાં જીવ ગુમાવનારા લોકોને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી રૂ. બે-બે લાખ અને ઘાયલોને રૂ. 50,000 આપવાની ઘોષણા કરી છે. ઉપ-રાજ્યપાલ મનોજ સિંહાએ પણ મૃતકોના પરિવારજનોને રૂ. 10-10 લાખ આપવાની જાહેરાત કરી છે.

વડા પ્રધાન કાર્યાલયમાં રાજ્યપ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે વડા પ્રધાન વ્યક્તિગત રીતે આ મામલાની દેખરેખ રાખી રહ્યા છે.