ભારતમાં વિજ્ઞાનીઓ કોરોના વાઈરસની રસી-દવાની શોધમાં વ્યસ્ત

નવી દિલ્હી – ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સંસ્થાની પુણેસ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી, જે દેશની સૌથી મોટી મેડિકલ ટેસ્ટિંગ લેબોરેટરી છે, એમાં અત્યાર સુધીમાં ‘નોવેલ કોરોના વાઈરસ’ના 128 નમૂનાનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે એ વાતને સમર્થન આપ્યું કે દેશમાં આ વાઈરસના બે કેસ પોઝિટિવ આવ્યા છે.

બીજો કેસ કેરળ રાજ્યમાં નોંધાયો છે. તે દરદી એક પુરુષ છે અને તે ચીનમાં જ્યાં સૌથી વધારે પ્રમાણમાં કોરોના વાઈરસ ફેલાયો છે તે વુહાન શહેરથી આવ્યો છે.

એને એક હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં રાખવામાં આવ્યો છે. એના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે, એમ આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે.

ચીનનો પ્રવાસે આવેલા 763 જણની હાલ દેશના 26 રાજ્યોમાં તબીબી ચકાસણી કરવામાં આવી રહી છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સેક્રેટરી પ્રીતિ સુદાને જણાવ્યું છે.

દરમિયાન, બીજા 323 ભારતીય નાગરિકો સાથેનું એર ઈન્ડિયાનું વિશેષ વિમાન આજે સવારે વુહાનથી નવી દિલ્હી આવી પહોંચ્યું હતું.

આ 323 જણમાં જો કે 7 માલદીવના નાગરિકનો પણ સમાવેશ થાય છે.

પહેલા બેચમાં ભારત લવાયેલા નાગરિકોની જેમ, આ બેચના લોકોને પણ ભારતીય સેના તથા ITBP દ્વારા તૈયાર કરવામાં આવેલી બે જુદી જુદી હોસ્પિટલમાં મેડિકલ ચકાસણી કરવામાં આવી રહી છે.

દરમિયાન, ICMR સંસ્થાના રોગચાળા અને સંપર્કથી થતા રોગોના વિભાગના વડા ડો. આર. ગંગાખેડકરે કહ્યું છે કે આ નવા વાઈરસને અંકુશમાં રાખી શકે એવી રસી અને દવાઓ શોધી કાઢવા પર હાલ સંશોધન ચાલી રહ્યું છે. જો કે આ વાઈરસની રસી શોધતાં વિજ્ઞાનીઓને ઓછામાં ઓછા બે વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ વાઈરસ ભૂતકાળમાં ક્યારેય માનવીને લાગુ પડ્યો નહોતો.