રાંચીઃ સરકારી નોકરીનું સપનું દરેક જણ જુએ છે, પણ યુવાઓની ફિટનેસ ઓછી જણાય છે, કેમ કે ઝારખંડમાં સિપાહી ભરતી પરીક્ષાના ફિઝિકલ ટેસ્ટ આપતા સમયે ત્રણ યુવકોનાં મોત થયાં છે, જ્યારે 22 અન્ય હજી હોસ્પિટલમાં છે.
ભીષણ ગરમીને કારણે પલામુ જિલ્લામાં 27 ઓગસ્ટે શરૂ થયેલી ફિઝિકલ ટેસ્ટમાં અત્યાર સુધી 100થી વધુ ઉમેદવારો દોડતી વખતે બેભાન થઈને હોસ્પિટલ પહોંચ્યા છે. ગિરિડહમાં શુક્રવારે દોડતા સમયે એક યુવક બેભાન થઈને પડી ગયાની ઘટના બની હતી.
પલામુમાં ફિઝિકલ ટેસ્ટ દરમ્યાન બેભાન થયેલા યુવાઓને મેદિનીપુર સ્થિત મેદિનીરાય મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના કેટલાક ફોટો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જેમાં દાખલ કરવામાં આવેલા ઘણાબધા યુવાઓ હોસ્પિટલમાં ખાટલાની અછતને કારણે નીચે જમીન પર કપડું નાખીને પડ્યા છે. પોલીસ અધિકારી મણિભૂષણ પ્રસાદના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં 25 ઉમેદવારોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી બેનાં મોત થયાં હતાં, જ્યારે એક અન્ય ઉમેદવારે રાંચી રિમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. મૃતકોમાં 20 વર્ષીય અમરેશકુમાર, 25 વર્ષીય અરુણકુમાર અને 25 વર્ષીય પ્રદીપકુમાર સામેલ છે.
હોસ્પિટલના વડા ડો. આર. કે. રંજને ફિઝિકલ ટેસ્ટ દરમ્યાન યુવાઓના મોતનું કારણ કોઈ દવાનું સેવન કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે મોતનું કારણ જાણવાના પ્રયાસ કરી રહ્યા છે, પણ પ્રારંભિક તપાસમાં શ્વાસ ફૂલવાનું કારણ સામે આવ્યું છે. આ યુવાઓએ સહનશક્તિ વધારવા માટે બેભાન કરવાવાળી કોઈ દવા લીધી હોવાની શક્યતા છે, જેનો વધુપડતો ડોઝ પણ મોતનું કારણ હોઈ શકે છે.