રાયપુરઃ છત્તીસગઢમાં નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદે એક જંગલમાં મંગળવારે નકસલીઓની સાથે સુરક્ષા કર્મચારીઓની અથડામણ થઈ હતી. એ દરમ્યાન ત્રણ મહિલાઓ સહિત 10 નક્સલવાદીઓ માર્યા ગયા છે. રાજ્યના ઉપ મુખ્ય મંત્રી વિજય શર્માએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે 15 દિવસોમાં સુરક્ષા દળોનો નક્સલીઓ પર આ એક બીજો મોટો હુમલો છે.
ડેપ્યુટી CM શર્માની પાસે ગૃહ વિભાગ પણ છે. તેમણે એક વિડિયો નિવેદનમાં રાજ્યમાં નક્સલવિરોધી ઝુંબેશમાં એક મોટી સફળતા મળી હતી. તાજી અથડામણ સવારે છ કલાકે નક્સલવાદીઓના ગઢ ગણાતા અબુઝમાડ વિસ્તારના ટેકમેટા અને કાકુર ગામોની વચ્ચે જંગલમાં થઈ હતી. વાસ્તવમાં જિલ્લા રિઝર્વ ગાર્ડ (DRG) અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની સંયુક્ત ટીમ નક્સલવિરોધી ઝુંબેશ પર નીકળી હતી. ઓપરેશન સોમવારે રાત્રે શરૂ કરવામાં આવ્યું હતું અને મંગળવાર સવારે નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદ પર અથડામણ થઈ હતી.
ડેપ્યુટી CMએ જણાવ્યું હતું કે ત્રણ મહિલાઓ સહિત 10 નક્સલવાદીઓ માર્યા ગયા હતા અને તેમના મૃતદેહો કબજે કરવામાં આવ્યા છે. આ અથડામણમાં સુરક્ષા કર્મચારીઓને કોઈ નુકસાન નથી થયું. તેમણે આ કાર્યવાહીને એક મોટી સફળતા જણાવતાં કહ્યું હતું કે આ અથડામણમાં એક AK-47 રાઇફલ અને અન્ય હથિયારો, ગોલા-બારુદ અને વિસ્ફોટકોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના સાથે, સુરક્ષા દળો સાથે અલગ-અલગ એન્કાઉન્ટરમાં છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં આ વર્ષે અત્યાર સુધીમાં 88 નક્સલવાદીઓ માર્યા ગયા છે. થોડા દિવસો પહેલાં સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં 29 નકસલવાદીઓ માર્યા ગયા હતા. જેમાં પ્રમુખ માઓવાદી નેતાઓ શંકર રાવ અને લલિતા મેરાવીનો પણ સમવેશ થાય છે, જેમના માથા પર રૂ. 8 લાખનું ઈનામ હતું.