ભારત, બંગલાદેશ વચ્ચે 10 મોટા સમજૂતી કરાર થયા

નવી દિલ્હીઃ બંગલાદેશનાં વડા પ્રધાન શેખ હસીના શુક્રવારથી ભારત યાત્રા પર છે. દેશમાં નવી સરકારની રચના પછી કોઈ વિદેશી નેતાની આ પહેલી દ્વિપક્ષી યાત્રા છે. આ પ્રસંગે બંને દેશોની વચ્ચે કેટલાક મહત્ત્વના સમજૂતી કરાર થયા હતા.

ભારતીય વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે ભારત, બંગલાદેશ  કોલકાતા અને ચટગાંવની વચ્ચે બસ સેવા શરૂ કરશે. આ સિવાય ભારત અને બંગલાદેશ ગંગા જળ સંધિમાં સુધારાવધારા કરવા માટે સંયુક્ત ટેક્નિકલ સમિતિ બનાવવા પર સહમતી સધાઈ હતી. ભારત તીસ્તા નદીના સંરક્ષણ અને વહીવટ માટે કાર્ય કરશે. બંને દેશો વચ્ચે કુલ 10 સમજૂતી અને સાત ઘોષણાઓ કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું. ભારત અને બંગલાદેશે શનિવારે વ્યાપક આર્થિક ભાગીદારી પર વાટાઘાટ શરૂ કરવા પર સહમતી દર્શાવી હતી. વડા પ્રધાન મોદીએ બંગલાદેશનાં વડા પ્રધાન શેખ હસીનાની સાથે વાતચીત પછી આ માહિતી પત્રકારોને આપી હતી.

વડા પ્રધાને કહ્યું હતું કે બંગલાદેશ ભારતનું સૌથી મોટું વિકાસનું ભાગીદાર છે અને નવી દિલ્હીની સાથે દ્વિપક્ષી સંબંધો માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. તેમણે હસીનાની હાજરીમાં કહ્યું હતું કે ભારત-બંગલાદેશની વચ્ચે નવાં ક્ષેત્રોમાં સહયોગ માટે એક ભવિષ્યનું દ્રષ્ટિપત્ર તૈયાર કરવામાં આવ્યું છે.

બંને પક્ષોએ ડિજિટલ ક્ષેત્ર, સમુદ્રી ક્ષેત્ર અને રેલવે કનેક્ટિવિટી સહિત અન્ય ક્ષેત્રોમાં સંબંધોને આગળ વધારવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા અને ભારત અને બંગલાદેશની વચ્ચે હરિત ભાગીદારી માટે દ્રષ્ટિપત્રને અંતિમ રૂપ આપ્યું હતું. બંને દેશો વચ્ચે સમુદ્રી સહયોગ અને સમુદ્રી અર્થતંત્ર પર સમજૂતીને મહત્ત્વની માનવામાં આવે છે.