ભારતીય સેનાની ત્રણે પાંખમાં 1.55 લાખ પદો ખાલીઃ સરકાર

નવી દિલ્હીઃ ત્રણે સશસ્ત્ર દળો આશરે 1.55 લાખ કર્મચારીઓની અછતનો સામનો કરી રહ્યાં છે, જેમાં સેનામાં સૌથી વધુ 1.36 લાખ ખાલી પદો છે, એમ રાજ્યસભાને એની માહિતી આપવામાં આવી છે. સંરક્ષણ રાજ્યપ્રધાન અજય ભટ્ટે રાજ્યસભામાં એક લેખિત ઉત્તરમાં કહ્યું હતું કે સશસ્ત્ર દળોના કર્મચારીઓની અછતની નિયમિત રૂપથી સમીક્ષા કરવામાં આવે છે અને ખાલી પદો ભરવા અને યુવાઓની સેવાઓમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરવા માટે કેટલાય ઉપાય શરૂ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે ભારતીય સેનામાં 8129 અધિકારીઓની અછત છે, જેમાં આર્મી મેડિકલ કોર અને આર્મી ડેન્ટલ કોર સામેલ છે. મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS)માં 509 પદ ખાલી છે અને જેસીઓ અને અન્ય રેન્કમાં 1,27,673 પદ પણ ખાલી છે. તેમણે કહ્યું હતું કે સેના દ્વારા નિયોજિત નાગરિકોમાં ગ્રુપ Aમાં 252 ખાલી પદો છે. ગ્રુપ Bમાં 2549માં ખાલી પદો છે અને ગ્રુપ Cમાં 35,368 પદો છે, જે ખાલી છે.

નેવીમાં 12,428 કર્મચારીઓની અછત છે. તેમણે કહ્યું હતું કે નેવીમાં 1653 અધિકારીઓ, 29 મેડિકલ અને ડેન્ટલ અધિકારીઓ અને 10,746 નાવિકોમાં અછત છે. સિવિલિયન કર્મચારીઓમાં ગ્રુપ Aમાં 165, ગ્રુપ Bમાં 4207 અને ગ્રુપ Cમાં 6156ની અછત છે. એરફોર્સમાં 7031 જવાનોની અછત છે. તેમણે કહ્યું હતું કે 721 અધિકારીઓ, 16 મેડિકલ અધિકારીઓ, 4734 એરમેન અને મેડિકલ સહાયક ટ્રેડના 113 એરમેનની પણ અછત છે. કાર્યરત નાગરિકોમાં ગ્રુપ Aમાં 22, ગ્રુપ Bમાં 1303 અને ગ્રુપ Cમાં 5531 કર્મચારીઓની અછત છે.