મૈસુરમાં દલિત સેક્સ વર્ક્સનું અનોખું સંમેલન, સંવેદનશીલ સમસ્યાઓ પર ચર્ચા

કર્ણાટક: મૈસુરમાં અશોદય સમિતિ દ્વારા દલિત સેક્સ વર્કર બહેનો માટે વિશાળ સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં આશરે 800 દલિત સેક્સ વર્કર બહેનોએ ભાગ લીધો હતો. અશોદયના કાર્યક્રમમાં ડાયરેક્ટર લક્ષ્મી, સલાહકાર ડૉ. સુંદર સુંદરરામન અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણાએ ભાગ લીધો હતો. દલિત સેક્સ વર્કર્સની સમસ્યાઓને સમજવા અને તેમના અધિકારો માટે કામ કરવાના હેતુથી આ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. વર્ષ 2004માં સ્થપાયેલી આ સંસ્થા સેક્સ વર્કર દ્વારા જ ચલાવવામાં આવે છે. આ સંસ્થા મૈસુર, મંડ્યા, કોડાગુ અને ચિકમગલુર જિલ્લાઓમાં આશરે 1,20,000 સેક્સ વર્કર સાથે કામ કરે છે. અશોદય સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય સેક્સ વર્કરોમાં એચ.આય.વી અટકાવવાનો અને સરકારી હોસ્પિટલોમાં તેમને સારવાર અપાવવાનો છે. છેલ્લા બે દાયકાઓમાં તેણે એચ.આઈ.વી. દર 25% થી ઘટાડીને 1% કરતા ઓછો કર્યો છે. એચ.આઈ.વી.ને કારણે સેક્સ વર્કર્સને સામાજિક, આર્થિક અને માનસિક રીતે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમની આ સમસ્યાઓનું નિવારણ લાવવા માટે જ આ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. કોન્ફરન્સમાં ઉપસ્થિત દલિત સેક્સ વર્કર્સે તેમની અનેક સમસ્યાઓ રજૂ કરી હતી. જેમાં મુખ્યત્વે – જરૂરી દસ્તાવેજોનો અભાવ, HIVને કારણે આર્થિક તંગી, બાળકોનું શિક્ષણ, વ્યાવસાયિક કૌશલ્યોની જરૂરિયાત, સુપ્રીમ કોર્ટના આદેશ છતાં પોલીસ અને અધિકારીઓનો ડર અને સંસાધનોનો અભાવ જેવી સમસ્યાઓના નિવારણ માટે ચર્ચા કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં કિશોર મકવાણાએ મહિલાઓને સંબોધતા જણાવ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે મહિલાઓ અને દલિતો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે. એ સુનિશ્ચિત કરવામાં આવશે કે આ મહિલાઓને પણ આ યોજનાઓનો લાભ મળે. તેમણે ડો.બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં આપેલા ન્યાય અને અધિકારોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ મહિલાઓને પણ આ અધિકાર મળવો જોઈએ.”કિશોર મકવાણાએ, દલિત સેક્સ વર્કરોની સમસ્યાઓ સમજવા માટે તેમના વિસ્તારની મુલાકાત લીધી. વાસ્તવિક પરિસ્થિતિ જોયા પછી કિશોર મકવાણાજીને એ જાણવા મળ્યું હતું કે, ત્યાંની મોટાભાગની મહિલાઓ પાસે આયુષ્માન ભારત, રેશનકાર્ડ કે અન્ય જરૂરી દસ્તાવેજો નથી. જેના કારણે તેઓ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકતી નથી. તેમના ઘરમાં ગરીબી અને આર્થિક સુખાકારીનો અભાવ સ્પષ્ટ દેખાતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે કિશોર મકવાણા જિલ્લા કલેક્ટરને પણ મળ્યા હતા. જિલ્લા અધિકારીઓ સાથે મિટિંગ કર્યા પછી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની તેમણે ખાતરી આપી હતી. સાથે જ તેઓએ અશોદય અને જિલ્લા કલેક્ટર કચેરી વચ્ચે ઇન્ટરફેસ બનાવવાનું આયોજન કર્યું, જેથી આ મહિલાઓ તેમના અધિકારોનો લાભ મેળવી શકે.કિશોર મકવાણાએ મહિલાઓને ખાતરી આપી કે, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દલિત સેક્સ વર્કરોના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે ગંભીર પ્રયાસો કરશે. તેમણે માહિતી આપી હતી કે સિંગલ વિન્ડો ફેસિલિટેશન ડેસ્કની સ્થાપના કરવામાં આવશે , જ્યાં સરકારી અધિકારીઓ અઠવાડિયામાં ત્રણ દિવસ આવશે અને જરૂરી દસ્તાવેજો અને સેવાઓ મેળવવામાં મહિલાઓને મદદ કરશે. આ ઉપરાંત , કૌશલ્ય પ્રશિક્ષણ અને ઉદ્યોગ સાહસિકતા વિકાસ માટે પણ જરૂરી પગલાં લેવામાં આવશે , જેથી મહિલાઓ તેમની આજીવિકા માટે વૈકલ્પિક માધ્યમો વિકસાવી શકે.