વડોદરાઃ કારેલીબાગમાં બુધવારે મોડી રાત્રે કારે ત્રણ ટૂ-વ્હીલર અને રાહદારીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને સાત અન્ય ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે કાર ચલાવનાર વ્યક્તિ અને તેના સાથીની ધરપકડ કરવામાં આવી છે.
આ મામલે આરોપી રક્ષિત ચૌરસિયાએ કહ્યું હતું કે અકસ્માત સમયે તે નશામાં નહોતો, તેણે પોતાના બે મિત્રો સાથે ભાંગનો નશો કર્યો હતો. પરંતુ અકસ્માત બાદ કારની એરબેગ ખૂલી ગઈ હતી. આ કારણે તે આગળ કંઈ જોઈ શક્યો નહીં અને આ અકસ્માત થયો હતો.
આ અકસ્માત અંગે રક્ષિતે કહ્યું છે કે તે તેના મિત્રના ઘરેથી કાર દ્વારા ઘરે પરત ફરી રહ્યો હતો. ગાડી ચલાવતી વખતે કારની એરબેગ ખૂલી ગઈ, જેને કારણે તે આગળ કંઈ જોઈ શક્યો નહીં અને અકસ્માત થયો. તેણે કહ્યું હતું કે તે નશામાં નહોતો અને સ્કૂટર રસ્તાની વચ્ચે આવી જવાથી અકસ્માત થયો. તે આ અકસ્માતનું કારણ ઓટોમેટિક કારને પણ માને છે. ત્યાં જ તેણે ભાંગનો નશા કર્યાની વાત કબૂલ કરી હતી.
મહિલાના મૃત્યુ અંગે રક્ષિતે કહ્યું કે તેને ખબર નહોતી કે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. રક્ષિતે વધુમાં કહ્યું કે જ્યારે તે મુક્ત થશે, ત્યારે તે પીડિત પરિવારોને મળશે.
. પોલીસના જણાવ્યા અનુસાર, રક્ષિત ચૌરસિયા ફુલ સ્પીડમાં ફોક્સવેગન વર્ચસ ચલાવી રહ્યો હતો, જેણે ત્રણ ટૂ-વ્હીલર્સને ટક્કર મારી હતી. હોળીના રંગો ખરીદવા માટે બહાર નીકળેલી હેમાલી પટેલનું અકસ્માતમાં મોત થયું હતું અને 10 અને 12 વર્ષની બે છોકરીઓ સહિત અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલ થયેલા સાત લોકોમાંથી ત્રણની હાલત ગંભીર છે અને અન્ય ત્રણને સામાન્ય ઈજાઓ થઈ છે.
પોલીસે જણાવ્યું હતું કે રક્ષિત ચૌરસિયાની સાથે કાર માલિકનો પુત્ર પ્રાંશુ ચૌહાણ પણ હતો. સ્થાનિકો દ્વારા પકડાયા બાદ રક્ષિત ચૌરસિયાની ઘટનાસ્થળે જ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પ્રાંશુ ચૌહાણની થોડા કલાકો પછી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માત સમયે એક રાહદારીએ શૂટ કરેલા વિડિયોની મદદથી પ્રાંશુ ચૌહાણને શોધી કાઢ્યો હતો અને તેની ધરપકડ કરી. રક્ષિત ચૌરસિયા એમએસ યુનિવર્સિટીમાં કાયદાનો વિદ્યાર્થી છે જ્યારે પ્રાંશુ ચૌહાણ વાઘોડિયા સ્થિત પારૂલ યુનિવર્સિટીમાં માસ કોમ્યુનિકેશનનો વિદ્યાર્થી છે.
