ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ગુજરાતના ચૂંટણી જંગમાં આ વખતે ત્રિકોણીય મુકાબલો જોવા મળી શકે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ આમને-સામને છે. ગુજરાતમાં વર્ષોથી ભાજપ સત્તા પર છે. આ ચૂંટણી જંગમાં આમ આદમી પાર્ટીએ પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. ગુજરાતમાં મુસ્લિમ મતદારોની સંખ્યા ઘણી છે, જેના પર તમામ પક્ષોની નજર છે. એક તરફ જ્યાં AIMIM મુસ્લિમ મતદારોને રીઝવવા માટે નવી રણનીતિ અપનાવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ પણ આ માર્ગ પર આગળ વધી રહી છે. ચૂંટણી વચ્ચે મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતના મુસ્લિમ મતદારો ચૂંટણીમાં કોને મત આપશે.
મુસ્લિમો કોને મત આપે છે?
ગુજરાતમાં CSDS દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ અગાઉ મુસ્લિમ વસ્તીના 80 ટકા મતદારો કોંગ્રેસને મત આપતા હતા. 2012માં 70 ટકા મુસ્લિમોએ કોંગ્રેસને અને 20 ટકા મુસ્લિમોએ ભાજપને મત આપ્યો હતો, પરંતુ 2017માં 64 ટકા મુસ્લિમોએ કોંગ્રેસને જ્યારે 27 ટકા મુસ્લિમોએ ભાજપને મત આપ્યો હતો.
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન
હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 થવાની છે. આ વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમો કોને વોટ આપશે તે તો ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જ ખબર પડશે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. તેનું પરિણામ 8 ડિસેમ્બરે આવશે. ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની કુલ વસ્તી 6.04 કરોડ હતી. જેમાં 58.46 લાખ મુસ્લિમ વસ્તી હતી. એટલે કે ગુજરાતમાં લગભગ 10 ટકા મુસ્લિમ વસ્તી છે. ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી 21 બેઠકો મુસ્લિમ પ્રભુત્વ ધરાવે છે. આ બેઠકો પર મુસ્લિમ વસ્તી 20 અથવા 20 ટકાથી વધુ છે.