મંદિરોમાં મફતમાં લાઉડસ્પીકર લગાવશે ભાજપના-નેતા મોહિત કંબોજ

મુંબઈઃ અઝાન માટે લાઉડસ્પીકરોના ઉપયોગ સામે હાલ ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતા મોહિત કંબોજે કહ્યું છે કે તેઓ મંદિરોમાં મફતમાં લાઉડસ્પીકરો મૂકાવી આપશે. એમણે ટ્વીટમાં લખ્યું છે કે, ‘જે કોઈને કોઈ મંદિરમાં લાઉડસ્પીકર મૂકાવવાની જરૂર લાગે તેઓ અમને જણાવી શકે છે, અમે તે મફતમાં મૂકાવી આપીશું. તમામ હિન્દુઓનો એક જ અવાજ હોવો જોઈએ. ‘જય શ્રી રામ, હર હર મહાદેવ.’

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેએ ગયા શનિવારે આપેલી ચેતવણી બાદ મોહિત કંબોજનું ટ્વીટ આવ્યું છે. ઠાકરેએ એવી ચેતવણી આપી હતી કે જો મસ્જિદોમાં અઝાન માટે લાઉડસ્પીકરોનો ઉપયોગ કરવાનું બંધ નહીં કરાવાય તો મસ્જિદોની બહાર લાઉડસ્પીકરો પર હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. બાદમાં, મનસે પાર્ટીના નેતા મહેન્દ્ર ભાનુસાળીને પોલીસે અટકમાં લીધા હતા. ભાનુસાળીએ પોલીસની પરવાનગી લીધા વગર લાઉડસ્પીકર બેસાડીને હનુમાન ચાલીસા વગાડ્યું હતું.

36 વર્ષના મોહિત કંબોજ મૂળ વારાણસીના છે અને કોલેજ શિક્ષણ મેળવવા મુંબઈમાં સ્થાયી થયા હતા. તેઓ એમના પિતા બનવારીલાલ કંબોજ પાસેથી મળેલા જર-ઝવેરાતના ધંધામાંથી તેમજ રિયલ એસ્ટેટ, મનોરંજન, શિક્ષણ, હોટેલ-રેસ્ટોરન્ટ્સ, ખેતીવાડી સહિત અનેક ક્ષેત્રોમાં ધંધો કરીને થયેલી અબજોની સંપત્તિના માલિક-ઉદ્યોગપતિ છે. તે ભાજપના સૌથી ધનવાન નેતાઓમાંના એક છે. તેઓ 2013માં ભાજપમાં જોડાયા હતા. 2014માં તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વખતે મુંબઈમાં દિંડોશી (ગોરેગાંવ પૂર્વ) મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા. એ વખતે તેમણે જાહેરાત કરી હતી કે પોતાની પાસે રૂ. 353.53 કરોડની સંપત્તિ છે.