કાંદિવલીના કૉલેજવિદ્યાર્થીઓએ ખેડૂતો માટે બનાવ્યું અનોખું એટીએમ

મુંબઈઃ અત્રેના કાંદિવલી (વેસ્ટ) ઉપનગરની ટી.પી. ભાટિયા કૉલેજના વોકેશનલ વિભાગના વિદ્યાર્થીઓએ ખેડૂતો માટે એક મલ્ટીપર્પઝ સાધન તૈયાર કર્યું છે.

સૌરઊર્જાને પ્રોત્સાહન આપનારા તથા ‘વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન’ કરનારા આ સાધનને વિદ્યાર્થીઓએ ‘એગ્રો-ટેક્નો મશીન’ (એટીએમ) નામ આપ્યું છે, જે નાના ખેડૂતોને ઉપયોગી થઈ શકે છે.

આ મશીન મિકેનિકલ એનર્જીનું કાઇનેટિક એનર્જીમાં રૂપાંતર કરે છે. તેનો ઉપયોગ ખેતરમાં જંતુનાશકનો છંટકાવ કરવા માટે, બીજ વાવવા માટે તથા મોબાઇલ ફોન અને એલઈડી ચાર્જ કરવા માટે થઈ શકે છે.

જૂની સાઇકલનો ઉપયોગ કરીને આ મશીન બનાવવામાં આવ્યું છે. સાઇકલનું પૈડું ફરતું જાય ત્યારે એની ચક્રાકાર ગતિને કારણે પંપ સમાન ગતિ સર્જાય છે અને તેના દબાણને લીધે જંતુનાશકના કન્ટેનરમાં દબાણ વધારીને જંતુનાશક દવાનો છંટકાવ થવા લાગે છે. તેમાં સોલર પેનલ બેસાડવામાં આવી હોવાથી ઇલેક્ટ્રિકલ એનર્જીનો સંગ્રહ કરવામાં આવે છે, જેની મદદથી મોબાઇલ ફોન ચાર્જ કરી શકાય છે અને મશીન પર લગાડેલી હેડલાઇટ ચાલુ કરી શકાય છે.

બીજ વાવવા માટે એમાં હળ જેવી રચના કરીને બીજ પસાર થવા માટેનો માર્ગ બનાવવામાં આવ્યો છે.

જંતુનાશક છાંટવા માટેનું કન્ટેઇનર બજારમાંથી લેવામાં આવ્યું છે, બાકીની બધી વસ્તુઓ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ તરીકે ઉપયોગમાં લેવાઈ છે, જેમાં કૉલેજની જૂની બેન્ચનો અને ભંગારમાં કાઢી નખાયેલી સાઇકલનો સમાવેશ થાય છે.

ટી.પી. ભાટિયા કૉલેજના મિકેનિકલ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના આઠથી નવ વિદ્યાર્થીઓએ પ્રાધ્યાપકના માર્ગદર્શન હેઠળ આ યંત્ર બનાવ્યું છે. ગણતરીની મિનિટોમાં એક એકર ખેતરમાં જંતુનાશકનો છંટકાવ કરવાની તેની ક્ષમતા છે.

દેશમાં નવાં નવાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધી રહી છે ત્યારે આવા વિદ્યાર્થીઓમાં પણ આગળ વધવાની ઉજળી સંભાવના છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]