મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે અહીં મધ્ય મુંબઈમાં આવેલી રાજ્ય સરકાર હસ્તકની જે.જે. હોસ્પિટલમાં જઈને કોરોના વાઈરસ-વિરોધી રસીનો પહેલો ડોઝ લીધો હતો. એમણે પુનરોચ્ચાર કર્યો છે કે જો લોકોની બેદરકારી ચાલુ રહેશે અને આ રોગચાળાને અંકુશમાં રાખવામાં એમનું ઉદાસીન વલણ ચાલુ રહેશે તો રાજ્યના કેટલાક ભાગોમાં લોકડાઉન લાગુ કરવાની મને ફરજ પડશે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોના મહાબીમારીએ ફરી માથું ઉંચક્યું છે અને રોગના નવા કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી ગઈ છે. રાજ્યના શિયાળુ પાટનગર ગણાતા નાગપુર શહેરમાં 15 માર્ચથી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત થઈ ચૂકી છે અને અમરાવતી, અકોલા, પુણે, થાણે જેવા શહેરોમાં કોરોના હોટસ્પોટ વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.