નવી મુંબઈઃ મુંબઈ અને પડોશના નવી મુંબઈ શહેર વચ્ચે રોજ પ્રવાસ કરનારાઓ માટે રાહત અને આનંદના સમાચાર છે. મહારાષ્ટ્ર સરકાર, નવી મુંબઈ મહાનગરપાલિકા, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ આ બંને શહેર વચ્ચે ટૂંક સમયમાં વોટર ટેક્સી સેવા શરૂ કરવા ધારે છે. આ પરિવહન માધ્યમને કારણે બંને શહેર વચ્ચેનો પ્રવાસ ઘણો આસાન બની જશે. આમ લોકોને લોકલ ટ્રેન અને બસ સેવાનો સરસ વિકલ્પ મળશે.
શરૂઆતમાં આ વોટર ટેક્સી સેવા દક્ષિણ મુંબઈથી નવી મુંબઈના બેલાપુર, નેરુલ, વાશી, જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી) માટે ઉપલબ્ધ કરવામાં આવશે. આ સેવાને કારણે પ્રવાસનો સમય ઘટીને 30-40 મિનિટનો થઈ જશે, જે રોડ માર્ગે દોઢ કલાકનો લાગે છે. રસ્તાઓ પર વાહનોથી થતું પ્રદૂષણ પણ ઘટી જશે અને ટ્રાફિક-જામની સમસ્યાથી પણ રાહત થશે. નવી મુંબઈના ઘણા લોકોએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે અને આ સેવાને પર્યાવરણસેવી ગણાવી છે. આ જલ-સેવા સામાન્ય લોકોને પરવડી શકશે એવી પણ ધારણા રખાય છે. કેન્દ્ર સરકારે શરૂ કરેલી ‘સાગરમાલા યોજના’ અંતર્ગત નવી મુંબઈમાં આ જલપરિવહન સેવા શરૂ કરવામાં આવી રહી છે. લોકલ ટ્રેનોમાં થતી અપાર ગીરદી અને પેટ્રોલ-ડિઝલની કિંમતમાં થયેલા વધારાથી ત્રસ્ત લોકો પ્રમાણમાં સસ્તી, ઝડપી અને સુખદ બની રહેનારી જલપરિવહન સેવા પ્રતિ આકર્ષાશે એવું મનાય છે.