શિવસેના તરફથી મારી જાન પર ખતરો છેઃ કંગના

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણોત અને તેની બહેન રંગોલી ચંદેલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે મુંબઈની કોર્ટમાં એમની સામે કરવામાં આવેલા કાનૂની કેસોને હિમાચલ પ્રદેશની અદાલતમાં ટ્રાન્સફર કરવામાં આવે. કંગનાએ સોશિયલ મિડિયામાં કરેલી અમુક ગંભીર ટીકાટિપ્પણીઓને કારણે બંને બહેનો સામે ત્રણ ક્રિમિનલ કેસમાં કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી શકે છે.

કંગના અને રંગોલીનાં વકીલ નીરજ શેખરનું કહેવું છે કે એમની બંને અરજદારને ડર છે કે આ કેસોની કાર્યવાહી જો મુંબઈની કોર્ટમાં ચલાવવામાં આવશે તો એમની જાન પર ખતરો છે, કારણ કે શિવસેનાના નેતાઓ કંગના સામે અંગત કિન્નાખોરી રાખે છે. કંગના સામે અલી કાસિફ ખાન નામના એક વકીલે અને બોલીવૂડ ગીતકાર જાવેદ અખ્તરે મુંબઈની કોર્ટમાં માનહાનિનો અલગ અલગ કેસ કર્યો છે. ત્રીજો કેસ કાસ્ટિંગ ડાયરેક્ટર મુન્વર અલી સય્યદે કંગના અને રંગોલી, બંને સામે કર્યો છે.