અમેરિકી રાજદૂત ગાર્સેટી શાહરૂખને એના નિવાસે જઈને મળ્યા

મુંબઈઃ ભારતમાં નિમાયેલા અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટી ગઈ કાલે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનને અહીં બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં એના વૈભવશાળી બંગલા ‘મન્નત’ ખાતે જઈને મળ્યા હતા. ગાર્સેટીએ બાદમાં રાજદૂતના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તસવીરો શેર પણ કરી છે.

(તસવીર સૌજન્યઃ @USAmbIndia)

એક અન્ય તસવીરમાં ગાર્સેટી અને શાહરૂખ ઉપરાંત શાહરૂખનાં મેનેજર પૂજા દદલાની અને શાહરૂખની પત્ની ગૌરી ખાન નજરે પડે છે. તસવીરોની કેપ્શનમાં ગાર્સેટીએ રમૂજમાં લખ્યું છેઃ ‘શું બોલીવુડમાં એન્ટ્રી કરવાનો મારો સમય આવી ગયો છે? સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે એના નિવાસસ્થાન મન્નતમાં વાતો કરવાની મજા આવી. મુંબઈના ફિલ્મ ઉદ્યોગ વિશે ઘણું વધારે જાણવા મળ્યું. વિશ્વસ્તરે હોલીવુડ અને બોલીવુડની જબરદસ્ત સાંસ્કૃતિક અસર વિશે અમે ચર્ચા કરી.’