કેરળમાં નૈઋત્યનું ચોમાસું એક અઠવાડિયું મોડું બેસશે

મુંબઈઃ હવામાનની આગાહી કરતી ખાનગી કંપની સ્કાઈમેટનું અનુમાન છે કે આ વર્ષે નૈઋત્યનું ચોમાસું કેરળમાં એક અઠવાડિયું મોડું બેસે એવી સંભાવના છે. ભારતમાં નૈઋત્યનું ચોમાસું કેરળમાંથી પ્રવેશ કરે છે અને ત્યારબાદ તે ધીમે ધીમે આગળ વધીને આખા દેશને આવરી લે છે. સામાન્ય રીતે, કેરળમાં 31 મે કે 1 જૂને ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વખતે 7મી જૂન થશે એવો સ્કાઈમેટનો અંદાજ છે.

આંદામાન ટાપુઓ પર દર વર્ષે ચોમાસું સામાન્ય રીતે 22 મેએ બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાની સ્થિતિ સર્જનનો આરંભ નબળો રહ્યો છે તેથી આંદામાન અને કેરળમાં વરસાદનું આગમન લંબાશે. આ વર્ષે એલ-નિનો પરિબળની અસરને કારણે ચોમાસું બેસવામાં વિલંબ થઈ શકે છે. સ્કાઈમેટ દ્વારા અગાઉ એવો અંદાજ આપવામાં આવ્યો હતો કે આ વર્ષે ભારતમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસું રહેશે અને સરેરાશ 94 ટકા જેટલો વરસાદ પડશે. બીજી બાજુ, ભારત સરકાર સંચાલિત હવામાન વિભાગનો અંદાજ છે કે આ વર્ષે દેશમાં 96 ટકા જેટલો વરસાદ પડશે.

કેરળમાં ચોમાસું બેસી જાય તે પછી 10 દિવસે મુંબઈમાં મેઘરાજાની પધરામણી થતી હોય છે. પરંતુ જો આ વખતે કેરળમાં ચોમાસું 1ને બદલે 7મી જૂને બેસશે તો મુંબઈમાં 10મી જૂને વરસાદ પડશે નહીં અને ચોમાસું એક અઠવાડિયું લંબાશે.