મુંબઈઃ ભારે વરસાદને કારણે આજે મુંબઈમાં બે સ્થળે મકાન દુર્ઘટના બની છે. દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન નજીક અને ફોર્ટ વિસ્તારમાં એક જૂના મકાન – ભાનુશાલી બિલ્ડિંગનો કેટલોક ભાગ તૂટી પડતાં એક મહિલા સહિત બે જણનું મરણ થયું છે જ્યારે મલાડ (વેસ્ટ)માં બે-માળનું મકાન તૂટી પડતાં બે જણનાં મરણ નિપજ્યા છે. બંને ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે.
સાંજે લગભગ પોણા પાંચ વાગ્યે દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન નજીક જનરલ પોસ્ટ ઓફિસની સામે આવેલા પાંચ-માળના ભાનુશાલી બિલ્ડિંગનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. એમાં એક મહિલાનું મૃત્યુ થયું છે જ્યારે બીજા અમુક લોકો કાટમાળ હેઠળ ફસાયા હતા.
બીજી ઘટના મલાડ (વેસ્ટ)ના માલવણી વિસ્તારમાં બની હતી. ત્યાં ગ્રાઉન્ડ પ્લસ બે-માળવાળું મકાન જમીનદોસ્ત થયું હતું. ત્યાં કાટમાળ હેઠળ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં સ્થાનિક લોકો તથા ફાયર બ્રિગેડના જવાનોને સફળતા મળી હતી.
ફોર્ટ વિસ્તારમાંની ભાનુશાલી ઈમારત મ્હાડાની સેસ ઈમારત છે. કાટમાળ હેઠળ ફસાયેલા લોકોને તેમજ મકાનના ઉપરના માળ પર રહેતા લોકોને સીડીની મદદથી ઉગારવાના પ્રયત્નો ચાલુ હતા. સમગ્ર મકાનને ખાલી કરાવવામાં આવ્યું છે.
રેસિડેન્શિયલ ભાનુશાલી બિલ્ડિંગનું પુનઃબાંધકામ ચાલુ હતું. એનો અમુક ભાગ તૂટી પડ્યો એ વખતે જોરદાર અવાજ આવ્યો હતો અને મકાનના તેમજ આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તત્કાળ અગ્નિશામક દળ અને પોલીસને ફોન કરી દીધો હતો અને જવાનો તરત જ ત્યાં પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનો 8 ફાયર એન્જિન્સ, બે રેસ્ક્યૂ વેન અને 10 ડંપર સાથે પહોંચી ગયા હતા. મહાપાલિકાએ 50 મજૂરોને પણ કાટમાળ ઉપાડવા માટે ત્યાં મોકલ્યા હતા.
મલાડમાં બે-માળનું ચાલીવાળું મકાન તૂટી પડ્યું
મલાડમાં, માલવણી વિસ્તારમાં નુરી મસ્જિદની નજીકનું મકાન આજે બપોરે લગભગ અઢી વાગ્યાના સુમારે તૂટી પડ્યું હતું. એ દુર્ઘટનામાં બે જણના મરણ અને 13 જણ ઘાયલ થયા હોવાનો અહેવાલ છે.
ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો તાત્કાલિક આવી પહોંચ્યા હતા, પણ એ પૂર્વે સ્થાનિક લોકોએ ભેગા મળીને કાટમાળ હેઠળ ફસાયેલી બે વ્યક્તિને બહાર કાઢીને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી.