દિલદાર સોનૂએ મુંબઈ પોલીસ માટે 25,000 ફેસ શિલ્ડ દાનમાં આપ્યા

મુંબઈઃ કોરોના વાઈરસના લોકડાઉન વખતે મુંબઈમાં ફસાઈ ગયેલા સેંકડો પરપ્રાંતિય મજૂરો-કામદારોને એમના વતન મોકલવા માટેની વ્યવસ્થા કરીને લોકોની વાહ-વાહ મેળવનાર બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદ હવે મુંબઈના પોલીસકર્મીઓની મદદે આવ્યો છે.

સોનૂએ મુંબઈના પોલીસ વિભાગને 25,000 ફેસ શિલ્ડ ભેટમાં આપ્યા છે. જેથી પોલીસજવાનો શહેરમાં કોરોના કટોકટી વચ્ચે ફરજ બજાવતી વખતે ચેપથી સુરક્ષિત રહી શકે. આ ફેસ શિલ્ડનું દાન કરીને સોનૂએ કહ્યું છે કે ખરા હિરો તો પોલીસ જવાનો છે.

સોનૂ ગઈ કાલે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને મળ્યો હતો અને તે પછી પોલીસ કર્મચારીઓ માટે 25 હજાર ફેસ શિલ્ડ ભેટ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ જ સોનૂ સૂદની કામગીરીની શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે પક્ષના મુખપત્ર દૈનિક સામનામાં તંત્રીલેખમાં ટીકા કરી હતી અને કટાક્ષમાં ‘મહાત્મા સોનૂ’ કહ્યો હતો.

મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત સરકાર છે.

કોંગ્રેસ પાર્ટીના નેતા દેશમુખે સોનૂ સૂદની ઉદારતાની પ્રશંસા કરી છે અને આ ટ્વીટ પણ કર્યું છે.