મુંબઈઃ ગઈ કાલે પાલઘર જિલ્લાના નાયગાંવ ઉપનગરસ્થિત એક ટીવી સિરિયલ શૂટિંગ સેટ પર કથિતપણે આત્મહત્યા કરનાર 20 વર્ષની ટીવી સિરિયલ અભિનેત્રી તુનિશા શર્માની માતાએ તુનિશાનાં સહ-કલાકાર અને બોયફ્રેન્ડ શીઝાન ખાન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમનો આક્ષેપ છે કે શીઝાને તુનિશાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી હતી. તુનિશા ગઈ કાલે સેટ પરના મેકઅપ રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તુનિશાનાં માતાની ફરિયાદ બાદ વસઈ-વિરાર પોલીસે શીઝાન ખાનને અટકમાં લીધો છે અને તેને આજે કોર્ટમાં હાજર કરશે.
ગઈ કાલે શૂટિંગ દરમિયાન વોશરૂમમાં ગયાં બાદ તુનિશા લાંબા સમયથી બહાર ન આવતાં દરવાજો તોડવામાં આવ્યો હતો અને અંદર તે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે અને સેટ પર હાજર રહેલી દરેક વ્યક્તિનું નિવેદન નોંધી રહી છે. સેટ પર હાજર રહેલાં લોકોએ પોલીસને કહ્યું હતું કે તુનિશા એકદમ સ્વસ્થ હતી અને પાંચ કલાક પહેલાં તો એણે તેની એક વીડિયો સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તુનિશાએ હિન્દી ફિલ્મ ‘ફિતૂર’માં કેટરના કૈફનાં બાળપણનું પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત એણે ‘બાર બાર દેખો’, ‘કહાની-2’ અને ‘દબંગ-3’ હિન્દી ફિલ્મોમાં પણ બાળકલાકારનો રોલ કર્યો હતો. હાલ એ ઉપરાંત એ ટીવી સિરિયલ ‘અલીબાબાઃ દાસ્તાન-એ-કાબુલ’માં પ્રિન્સેસ મરિયમનો રોલ કરી રહી હતી.
