મુંબઈઃ બાન્દ્રા સ્ટેશનની બહાર હજારો માઈગ્રન્ટ કામદારો એકત્ર થયા; પોલીસનો હળવો લાઠીમાર

મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉનની મુદતને 3 મે સુધી વધારવાની જાહેરાત કરી દીધી છે ત્યારે મુંબઈમાં કામ અને પૈસા વગર અટવાઈ ગયેલા હજારો માઈગ્રન્ટ કામદારો-મજૂરો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બપોરના સમયે બાન્દ્રા (વેસ્ટ)માં રેલવે સ્ટેશનની બહાર, મસ્જિદની સામે એકત્ર થયા હતા.

આ કામદારો પોતપોતાના વતન જવા માટે અધીરા હોવાથી એકત્ર થયા હતા અને ટ્રેનો શરૂ કરવામાં આવે એવી માગણી કરી હતી.

લોકડાઉનને કારણે કર્ફ્યૂ જેવી સ્થિતિ લાગુ કરી દેવામાં આવી છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમો પણ અમલમાં છે તે છતાં આ કામદારો હજારોની સંખ્યામાં એકત્ર થતાં પોલીસો પણ અચંબામાં પડી ગયા હતા.

આખરે કામદારોને વિખેરવા માટે પોલીસને બળનો ઉપયોગ કરવો પડ્યો હતો. પોલીસે એમની પર હળવો લાઠીમાર કર્યો હતો. સાંજે 6 વાગ્યે પરિસ્થિતિ અંકુશમાં હોવાનો પોલીસે દાવો કર્યો હતો.

બાન્દ્રામાં પરપ્રાંતિય કામદારોના વિરોધનું કારણ કેન્દ્ર સરકારઃ આદિત્ય ઠાકરે

મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ બાન્દ્રાની ઘટના વિશે એમના પ્રત્યાઘાત વ્યક્ત કર્યા છે. એમણે ટ્વીટ કરીને એવો આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારે સ્થળાંતરિત મજૂરોને એમના વતન પાછા જવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરી નથી.

આદિત્ય ઠાકરેએ કહ્યું કે આ લોકોને અનાજ કે ઘર નથી જોઈતા, પણ એમને તેમના ઘેર પાછા જવું છે. ટ્રેનો બંધ કરાયા બાદ મહારાષ્ટ્ર સરકારે રેલવે સેવાને ચોવીસ કલાક ચાલુ રાખવા અંગે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી, જેથી કામદારો પોતપોતાના ઘેર પાછા જઈ શકે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન મોદી સાથેની વિડિયો કોન્ફરન્સમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને પરપ્રાંતિયોને વતન પાછા જવા માટે રોડમેપ ઘડી કાઢવાની વિનંતી કરી હતી.