NSEમાં રોકાણકારોની સંખ્યા નવ કરોડને વટાવી ગઈ

મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાના રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા તાજેતરમાં નવ કરોડના આંકને વટાવી ગઈ છે. આ સાથે એક્સચેન્જમાં રજિસ્ટર્ડ ક્લાયન્ટ કોડ્સની કુલ સંખ્યા 16.9 કરોડની થઈ ગઈ છે. આ નિમિત્તે NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણે કહ્યું  છે કે  છેલ્લા થોડા મહિનામાં એક કરોડ નવા રોકાણકારો નોંધાયા છે, જે સૌથી ટૂંકો સમયગાળો છે. ઈક્વિટીઝ, એકસચેંજ ટ્રેડેડ ફંડ( ઈટીએફ),  રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (આરઈઆઈટીઝ),  ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્ર્સ્ટ (ઈન્વઆઈટીઝ), ગવર્નમેન્ટ બોન્ડ્સ અને કોર્પોરેટ બોન્ડ્સ વગેરે જેવાં નાણાકીય ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણકારોની વધી રહેલી સામેલગીરી, રોકાણકારોમાં વધી રહેલી જાગૃતિ અને એક્સચેન્જમાં નો યોર કલાયન્ટસ (કેવાયસી)ની સરળ બનાવાયેલી પ્રક્રિયાને પગલે શક્ય બની છે.

એનએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા છ કરોડથી સાત કરોડ થઈ ત્યારે આશરે નવ મહિના લાગ્યા હતા, આઠ કરોડ થઈ એ માટે બીજા આઠ મહિના લાગ્યા હતા, જ્યારે સંખ્યા આઠ કરોડથી વધીને નવ કરોડ થવામાં માત્ર પાંચ મહિના લાગ્યા હતા.

ઓક્ટોબર, 2023થી અત્યાર સુધીમાં જે નવા રોકાણકારો નોંધાયા છે, એમાંના 42 ટકા ઉત્તર ભારતના,  28 ટકા પશ્ચિમ ભારતના,  17 ટકા દક્ષિણ ભારતના અને 13 ટકા પૂર્વ ભારતના રહ્યા છે. અત્યારે સૌથી વધુ રોકાણકારો મહારાષ્ટ્રના 1.6 કરોડ, ઉત્તર પ્રદેશના 97 લાખ અને ગુજરાતના 81 લાખ છે. રોકાણકારોની શેરબજારમાં પરોક્ષ સામેલગીરી પણ વધી છે એની જાણ એના પરથી થાય છે કે ઓક્ટોબર 2023થી જાન્યુઆરી, 2024 વચ્ચે 1.6 કરોડ નવાં એસઆઈપી એકાઉન્ટ ખોલવામાં આવ્યાં હતાં.