નસીરુદ્દીન શાહ (ઈમરાન ખાનને): તમે તમારા દેશને સંભાળો, અમને અમારી સંભાળ લેતા આવડે છે

મુંબઈ – ઉત્તર પ્રદેશના બુલંદશહર સહિત ભારતમાં અમુક ઠેકાણે મોબ લિન્ચિંગની ઘટનાઓનો ઉલ્લેખ કરીને ભારતમાં મુસલમાનો વિરુદ્ધ અસહિષ્ણુતા પ્રવર્તે છે એવી બે દિવસ પહેલાં કમેન્ટ કરીને બોલીવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહે વિવાદ જગાડ્યો છે. એમને પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન તરફથી ટેકો મળ્યો છે. ઈમરાને એવું નિવેદન કર્યું હતું કે ભારતમાં લઘુમતી કોમનાં લોકોનું કેવી રીતે રક્ષણ કરવું જોઈએ એ પોતે મોદી સરકારને શીખડાવશે, પણ નસીરુદ્દીનને ઈમરાન ખાન તરફથી ટેકો મળ્યો એ ગમ્યું નથી.

નસીરની કમેન્ટ અને ઈમરાનની કમેન્ટને લીધે મામલો બીચક્યો છે અને વધુ ને વધુ વ્યક્તિઓ તરફથી કમેન્ટ્સ આવી છે.

ખુદ નસીરે કહ્યું છે કે ઈમરાન ખાન પોતાના પાકિસ્તાનને સંભાળે, અમારી પોતાની સંભાળ કેવી રીતે લેવી એ અમને બરાબર આવડે છે.

ઈન્ડિયન એક્સપ્રેસને આપેલી મુલાકાતમાં, નસીરુદ્દીને કહ્યું કે, આપણા દેશમાં 70 વર્ષથી લોકશાહી છે અને આપણને આપણી સંભાળ લેતા બરાબર આવડે છે.

‘કારવાં-એ-મોહબ્બત ઈન્ડિયા’ નામની એક ચેનલને આપેલી મુલાકાતમાં શાહે બુલંદશહરમાં આ મહિનાના આરંભમાં એક પોલીસ અધિકારીની કરાયેલી હત્યાને પગલે મોબ લિન્ચિંગની થયેલા કિસ્સાઓ અંગે ટિપ્પણી કરી હતી. એમણે કહ્યું હતું કે ભારતમાં કોઈ પોલીસ જવાનની હત્યા કરતાં કોઈ ગાયના મૃત્યુને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. ઝેર ફેલાવી દેવામાં આવ્યું છે અને હવે એને રોકવું મુશ્કેલ છે.

ભારત સૌથી સહિષ્ણુતા ધરાવતો દેશ છેઃ રાજનાથ સિંહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ નસીરુદ્દીન શાહની અસહિષ્ણુની કમેન્ટ સાથે સહમત થયા નથી અને ભારતમાં અસહિષ્ણુતા વધી રહી હોવાના નસીરના દાવાને એમણે ફગાવી દીધો છે. રાજનાથ સિંહે રવિવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારત જેટલો સહનશીલ દેશ દુનિયામાં બીજો કોઈ નથી. ભારતમાં જે સહિષ્ણુત્વ છે એ દુનિયાના બીજા કોઈ દેશમાં નથી. દુનિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં અનેક ધર્મોના લોકો આપસમાં શાંતિથી રહે છે. એમણે ભારતને શક્તિશાળી, આત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવવામાં યોગદાન આપ્યું છે અને આપવાનું ચાલુ રાખશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]