હાથ ભરતના આભલા મિરર વર્ક તરીકે બની રહ્યાં છે ઇન ટ્રેન્ડ

ક સમયે હાથભરતમાં રંગબેરંગી દોરાથી ભરેલા આભલાની ડિઝાઇનના ડ્રેસ મહિલાઓ હાથથી ભરતી હતી અને આભલા ભરતના ચણિયા ચોળી તો મહિલાઓની પસંદગીમાં પ્રથમ સ્થાને હતાં. વળી જે સ્ત્રીને ડિઝાઈનમાં કાચ ભરતા સારી રીતે આવડતું હોય તેના તો લોકો વખાણ કરતાં થાકે નહી!

જોકે વચ્ચે થોડો સમય એવો આવ્યો કે આ આભલા વર્ક ફેશનમાંથી આઉટ થઈ ગયું પરંતુ ફરીથી મિરર વર્ક ફેશનમાં પાછું આવ્યું છે. ખાસ કરીને સાડીમાં મિરર લેસ સ્ત્રીઓન ખૂબ પસંદ આવ્યું છે. તહેવારો પછીની લગ્ન સિઝનમા પરિણીત મહિલાને અથવા તો યુવતીઓને ક્યાંય આઉટિંગમાં જવાનું હોય તો મિરર વર્ક ઘણું સારું રહેશે.

ગુજરાતમાં કચ્છના ભરત કામમાં આભલાને વિશેષ રીતે ભરવામાં આવે છે. જો તમે તમારા ડ્રેસીસ કે  સાડીના પાલવ અથવા તો સિમ્પલ બોર્ડરમાં આભલા ભરશો તો તેમાં મિરર વર્કખૂબ જ સરસ લાગશે. મિરર વર્કમાં પણ જુદા જુદા આકારના જેમ કે ગોળ, ચોરસ, ષટકોણ, લંબચોરસ આભલાને જો સરસ રીતે ભરવામાં આવે તો તે ડ્રેસ ખૂબ જ ઓપી ઉઠે છે. ખાસ કરીને કોઈ ફંક્શન માટે ગળાના ભાગે તેમજ હાથની સ્લિવ અને ગળાના યોગના ભાગે આભલા વર્ક પસંદ કરશો તો એવા ડ્રેસિસ ખૂબ જ સરસ લાગશે.

મિરર વર્ક તમે ડ્રેસમાં જ નહીં પરંતુ કેપ ટોપ, ક્રોપ ટોપ, ફલોઈ ડ્રેસ જેવા તમામ આઉટફિટ્સ ટ્રાય કરી શકો છો. તે સિવાય સ્કર્ટના ભાગે વેસ્ટ પાસે મિરરનો પટ્ટો બનાવી શકો છો. કોઈ પ્લેન પોત સાડીમાં પોતાના મનગમતા રંગ પસંદ કરીને તમે તેમાં મિરર વર્કની બોર્ડર પસંદ કરી શકો છો તો બ્લાઉઝમાં પણ મિરર વર્ક તથા સિકવન્સ વર્ક બનાવડાવી શકો છો.

જોકે મિરર વર્કવાળા આઉટફિટ્સ પહેરતી વખતે એ ધ્યાન રાખવું કે  તમારે ઘણી બધી જ્વેલરી ન પહેરવી. કારણ કે આભલાને કારણે  પહેલેથી લુક હેવી થઈ તો હોય છે તેમાં જો ભારે ઘરેણાં પહેરો તો એ  મિરર વર્ક પર સૂટ નહીં કરે માટે મિરર વર્ક પહેરતી વખતે એક્સરીઝ તથા આઉટફિટ્સનું ચોક્કસ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. જો તમે બ્લાઉઝમાં મિરર વર્ક પહેરો તો સાડી પ્લેન રાખવી.

કેપ ટોપ કે ક્રોપ ટોપના ગળાના ભાગે મિરર વર્કની પાતળી સ્ટેન્ડ પટ્ટી મૂકી શકાય. જો સિમ્પલ ડ્રેસિંગ રાખવું હોય તો  ફક્ત સ્લિવ પાસે પણ ઝીણા આભલાનું વર્ક કરાવી શકાય.

આભાલ વર્કમાં પાતળા ટીકા પણ મળે છે જેને આભલાની અવેજીમાં ઉપયોગ કરી શકાય છે અને તેના કારણે  કપડામાં વધારે વજન અનુભવાતું નથી. આવા ટીકાના દુપટ્ટા પણ સરસ લાગે છે અને તે પાતળા ફેબ્રિકમાં વધારે કામ લાગે છે. કારણ કે તેનાથી કાપડ ફાટતું નથી.

જોકે મિરર વર્કનો ઉઠાવ રિયલ કાચથી વધારે સારો આવે છે, હવે તો જોકે કાચને દોરાથી ભરવા કે બાંધવાને બદલે ડિઝાઇનમાં સીધા જ લગાવી દેવામાં આવે છે . આ કાચ ડિઝાઇનમાં એ રીતે લગાવેલા હોય છે કે તેના કારણે સાદા ડ્રેસ કે સાડી પણ ખૂબ સરસ લાગે છે. તો વળી ઘણી સાડી કે ડ્રેસમાં જડતર જેવા સિક્કા કે બિડ્સ લગાવીને તેની સાથે કાચનું કોમ્બિનેશન કરવામાં આવે છે, જે સરસ ઉઠાવ આપે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]