વિરારના ઝા-બંધુઓની આત્મહત્યાના કેસમાં ભૂતપૂર્વ પોલીસ ઈન્સ્પેક્ટરની ધરપકડ

મુંબઈ – પડોશના પાલઘર જિલ્લાના વિરાર શહેરમાં વિકાસ ઝા (23) અને અમિત ઝા (29) નામના બે ભાઈઓએ કરેલી આત્મહત્યાના કેસમાં વિરાર શહેરના માણિકપુર પોલીસ સ્ટેશનના ભૂતપૂર્વ સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર યુનૂસ શેખની ધરપકડ કરવામાં આવી છે.

ઝા બંધુઓને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના આરોપસર આજે મહારાષ્ટ્ર સીઆઈડી અધિકારીઓએ મુંબઈમાં ડોંગરી વિસ્તારમાંથી શેખની ધરપકડ કરી છે. અધિકારીઓએ ત્યારબાદ શેખને પાલઘરની એક કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે એને ત્રણ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

પોલીસ અને વિરારના અમુક વગદાર લોકોના ત્રાસથી કંટાળીને વિકાસ ઝા (23)એ 2017ની 9 નવેંબરે વસઈ શહેરમાં ડેપ્યૂટી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટના કાર્યાલયની બહાર આત્મવિલોપન કર્યું હતું. ત્યારબાદ પોતાના ભાઈને ન્યાય ન મળ્યાનો આરોપ મૂકીને વિકાસના મોટા ભાઈ અમિત ઝાએ આ વર્ષની 20 જાન્યુઆરીએ પોતાના ઘરમાં ઉંદરને મારવાની ઝેરી દવા પી લીધું હતું. એના બે દિવસ બાદ એનું મુંબઈની એક હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. બંને ભાઈ વિરારના સુરમ પાર્કના રહેવાસી હતા અને એમના માતા-પિતા તથા બે બહેનોની સાથે રહેતા હતા.

ઝા પરિવારે ફરિયાદ નોંધાવી હતી અને એવો આરોપ મૂક્યો હતો કે અમિતના મૃત્યુ માટે રાજકીય હરીફ મુનાફ બચોચ ઉપરાંત સ્થાનિક રહેવાસીઓ મિથીલેશ ઝા, અમર ઝા અને પોલીસ ઈન્સ્પેક્ટર યુનૂસ શેખ જવાબદાર છે. આ ફરિયાદને પગલે પોલીસે કેસ નોંધ્યો હતો અને મિથીલેશ ઝા અને અમર ઝાની ધરપકડ કરી હતી. યુનૂસ શેખ અને મુનાફ બલોચ પોલીસને હાથતાળી આપતા હતા. યુનૂસ શેખને છોડી દેવામાં આવ્યા હોઈ ઝા પરિવાર નારાજ હતો.

ઝા ભાઈઓની આત્મહત્યા બાદ ઝા પરિવારના અન્ય સભ્યોએ સામુહિક આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, 2017ની 10 નવેંબરે વિકાસ ઝા નામના યુવકે વસઈમાં ઉપવિભાગીય કાર્યાલયમાં પોતાની પર કેરોસીન રેડીને આત્મવિલોપન કર્યું હતું. વિકાસના પરિવારજનોએ એવો આરોપ મૂક્યો હતો કે પોલીસોના ત્રાસથી અને સામાજિક કાર્યકર્તા મુનાફ બલોચ તરફથી કરાતા માનસિક ત્રાસથી કંટાળીને વિકાસે આત્મહત્યા કરી હતી.

વિકાસના મૃત્યુના અઢી મહિના બાદ એના ભાઈ અમિત ઝાએ ઝેર પીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા અમિત ઝાએ સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા એક વીડિયોમાં એવો આરોપ મૂક્યો હતો કે એના ભાઈને ન્યાય મળ્યો નહોતો અને એને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા બદલ સ્થાનિક નેતા મુનાફ બલોચ અને વિરાર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર યુનૂસ શેખ સામે પગલું ભરવામાં આવે એવી મેં પાલઘર અને વસઈના પોલીસ અધિકારીઓને વિનંતી કરી હતી, પણ મને ન્યાય મળવાની આશા ન હોવાથી હું મારા ભાઈની પાસે જઈ રહ્યો છું.

અખબારી અહેવાલો અનુસાર, વિકાસ અને અમિતના મૃત્યુ માટે મુનાફ બલોચ, મિથીલેશ ઝા, અમર ઝા અને પોલીસ ઈન્સ્પેક્ટર યુનૂસ શેખ જવાબદાર છે એવો ઝા પરિવારે આરોપ કર્યો હતો. બંને ભાઈના પિતા વિનયકાંત ઝાએ કહ્યું કે, અમિત બહારથી ઘેર આવ્યો હતો અને થોડાક સમય બાદ એના નાકમાંથી લોહી વહેવા માંડ્યું હતું. અમે એને સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી અમને મુંબઈની કેઈએમ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. કેઈએમમાં બધી પથારીઓ ભરેલી હતી એટલે અમે અમિતને દાદરની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ અમે એને બચાવી શક્યા નહોતા.

બંને ભાઈની આત્મહત્યાના કેસની તપાસ પાલઘર જિલ્લામાંથી થાણે જિલ્લામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

સ્પેશિયલ આઈજીપી નવલ બજાજના આદેશને પગલે હવે આ કેસમાં થાણે ગ્રામિણ જિલ્લાના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પ્રશાંત કદમ તપાસ કરી રહ્યા છે.

અમિત ઝાએ આત્મહત્યા કર્યા બાદ એફઆઈઆરમાં યુનૂસ શેખનું નામ ઉમેરવામાં આવ્યું હતું. હવે થાણે પોલીસે અમર અને મિથીલેશ તેમજ શેખની ધરપકડ કરી છે. બલુચ ફરાર છે.

વિકાસ ઝાની સામે ખંડણીને લગતા અનેક કેસો પોલીસના ચોપડે નોંધવામાં આવ્યા હતા. તે ઉપરાંત અમર અને મિથિલેશ ઝાએ કરેલી ફરિયાદને પગલે વિકાસ સામે વિરાર પોલીસે એક મહિલાની છેડતી કરવાનો ગુનો પણ નોંધ્યો હતો. તે ઉપરાંત 2016ના નવેંબરમાં યુનૂસ શેખે વિકાસ અને અમિતને રૂ. 500 અને રૂ. 1000ની પ્રતિબંધિત કરન્સી નોટની ચોક્કસ રકમને એક્સચેન્જ કરવાની કથિત પ્રવૃત્તિ બદલ પકડ્યા હતા. ઝાનાં પરિવારજનોએ આ આરોપોને નકારી કાઢ્યા હતા.

વિનયકાંત ઝાએ કહ્યું કે મારા બંને પુત્રની મરણ માટે બલુચ અને શેખ જવાબદાર છે. જો ગુનેગારોને પકડવામાં આવ્યા હોત તો મારો એક દીકરો બચી ગયો હોત.