એક લાખ કિસાનો દ્વારા નાશિક-મુંબઈ ‘લોન્ગ માર્ચ’નો મંગળવારથી આરંભ

મુંબઈ – કિસાનોની વિવિધ પ્રકારની માગણીઓ પર દબાણ લાવવા માટે કિસાન સભા સંસ્થાએ મહારાષ્ટ્ર સરકાર સામે હવે નિર્ણાયક લડાઈ લડી લેવાનું નક્કી કર્યું છે. આ સંસ્થા સાથે સંકળાયેલા આશરે 1 લાખ કિસાનો આવતીકાલ, મંગળવારથી નાશિકથી મુંબઈ સુધી લાંબી કૂચ કાઢવાના છે.

આ કિસાનો 6 માર્ચે બપોરે 3 વાગ્યે નાશિકના સીબીએસ ચોક ખાતે એકત્ર થશે અને પગપાળા કૂચ રૂપે 200 કિલોમીટરનું અંતર કવર કરીને 12 માર્ચે મુંબઈ પહોંચશે અને સીધા વિધાનભવનને ઘેરાવ કરશે.

હાલ વિધાનસભાનું સત્ર ચાલુ છે તેવામાં આ લાંબી કૂચ કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કૂચમાં રાજ્યભરમાંથી એક લાખ જેટલા કિસાનો સામેલ થશે એવો કિસાન સભા સંસ્થાનો દાવો છે.

નાશિકથી મુંબઈ પહોંચ્યા બાદ દક્ષિણ મુંબઈ સ્થિત વિધાનભવનને ઘેરાવ કરવાનું આંદોલન અચોક્કસ મુદતનું હશે. જ્યાં સુધી માગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી ઘેરાવ ચાલુ રખાશે.

સરકારી વલણ તથા કુદરતી આફતોને કારણે મહારાષ્ટ્રના કિસાનો પરેશાન થઈ ગયા છે. એમાંના ઘણા આત્મહત્યા કરવાને મજબૂર થઈ રહ્યા હોવાનો દાવો છે. કિસાનો પર આવી પડેલા આ સંકટના સમયમાં એમની પડખે ઊભા રહેવાને બદલે રાજ્ય સરકાર પોકળ જાહેરાતો કરે છે તેથી કિસાન સભા ચિંતિત છે.

કિસાન સભાનો દાવો છે કે સરકારે કિસાનોની લોનમાફીની જાહેરાત કરી તે પછી પણ કિસાનો દ્વારા આત્મહત્યાના કિસ્સાઓ ચાલુ છે. લોનમાફીની જાહેરાત બાદ રાજ્યમાં 1,753 કિસાનોએ આત્મહત્યા કરી છે.

શું છે, કિસાનોની માગણીઓ?

  • ઉપજાઉ (ફળદ્રુપ) વન્યજમીન કિસાનોનાં નામે કરો
  • સંકટગ્રસ્ત કિસાનોને સંપૂર્ણ લોનમાફીની સુવિધા કરી આપો
  • કિસાનોને ટેકાના ભાવો મામલે સ્વામિનાથન સમિતિએ કરેલી ભલામણોનો અમલ કરો
  • કિસાનોના વીજળીના બિલ માફ કરો
  • દૂધ માટે આશરે 40 રૂપિયાનો ભાવ મળે એ માટે તત્કાળ હસ્તક્ષેપ કરો
  • વિકાસ કાર્યોના નામે કિસાનોની જમીન હસ્તગત કરવાના ષડયંત્રનો અંત લાવો
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]