મહારાષ્ટ્રમાં ST-કર્મચારીઓની હડતાળઃ હાઈકોર્ટમાં અરજી, સોમવારે સુનાવણી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC) એટલે કે, એસટી બસ કર્મચારીઓની હડતાળે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. હડતાળ સંદર્ભમાં મુંબઈ હાઈકોર્ટમાં અદાલતના તિરસ્કારની અરજી નોંધવામાં આવી છે અને તેના પરની સુનાવણી આવતા સોમવારે કરવાનો કોર્ટે નિર્ણય લીધો છે.

નાણાકીય ભીંસમાં આવી ગયેલી રાજ્ય સરકાર હસ્તકની MSRTC કંપનીનું રાજ્ય સરકાર સાથે વિલિનીકરણ કરવાની માગણી સાથે એસ.ટી. કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. એને કારણે રાજ્યમાં અનેક એસ.ટી. ડેપો બંધ થઈ ગયા છે. એસટી બસ સેવા ખોરવાઈ જતાં રાજ્યના લાખો પ્રવાસીઓને યાતના ભોગવવી પડી રહી છે. મુંબઈ હાઈકોર્ટે આ હડતાળ અંગે ગયા સોમવારે નારાજગી દર્શાવી હતી. હડતાળ સમાપ્ત કરી તાત્કાલિક કામ પર ચડવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. તે છતાં હડતાળ ચાલુ રહેતાં MSRTCએ હડતાળીયા કર્મચારીઓ વિરુદ્ધ અને કર્મચારી સંગઠન વિરુદ્ધ હાઈકોર્ટમાં અદાલતના તિરસ્કારની અરજી નોંધાવી છે. મહારાષ્ટ્ર સરકારે પણ કર્મચારીઓને ફરજ પર પાછા ફરવાની અપીલ કરી હતી, તે છતાં તેઓ હડતાળ પર ઉતરી ગયાં છે. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ MSRTC કર્મચારીઓને આજે ફરી અપીલ કરી છે કે એમની સમસ્યાઓને ઉકેલી શકાય એ માટે તેઓ મહારાષ્ટ્ર સરકારને સહકાર આપે. મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ પ્રધાન અનિલ પરબ MSRTCના ચેરમેન પણ છે. હડતાળમાં ભાગ લેવા બદલ તથા અન્ય કર્મચારીઓને હડતાળમાં જોડાવા ભડકાવવા બદલ MSRTCએ 45 ડેપોમાંના 376 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

MSRTC દેશમાં સૌથી મોટા રાજ્ય ટ્રાન્સપોર્ટ નિગમોમાંનું એક છે. મહારાષ્ટ્રમાં તેની 16,000 બસો છે અને 93,000 જેટલા કર્મચારીઓ છે, જેમાં ડ્રાઈવરો અને કંડક્ટરોનો સમાવેશ થાય છે. ગયા વર્ષે કોરોનાવાઈરસના સંક્રમણ પૂર્વે આ નિગમ રાજ્યમાં દૈનિક સ્તરે 65 લાખ પ્રવાસીઓને બસની સફર કરાવતું હતું.