અમૃતા ફડણવીસે નવાબ મલિકને કાનૂની નોટિસ મોકલી

મુંબઈઃ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં રોજ નવા નવા વળાંક આવ્યા કરે છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યના અલ્પસંખ્યક ખાતાના પ્રધાન નવાબ મલિક વચ્ચે ઉગ્ર દોષારોપણ ચાલી રહ્યું છે ત્યારે ફડણવીસના પત્ની અમૃતાએ નવાબ મલિકને માનહાનિની નોટિસ મોકલી છે. અમૃતા ફડણવીસે મલિકને ધમકી આપી છે કે એમનાં પતિ વિરુદ્ધ બદનામીભર્યા ટ્વીટ મલિક 48 કલાકમાં ડિલીટ કરે, જાહેરમાં માફી માગે નહીં તો એમની સામે કોર્ટમાં કેસ કરશે. અમૃતાએ એમ કહીને મલિકને કાનૂની નોટિસ મોકલી છે કે મલિક ફડણવીસ પરિવારને બદનામ કરે છે.

બીજી બાજુ, મલિકે પણ કહ્યું છે કે એમની વિરુદ્ધ દેવેન્દ્ર ફડણવીસે જે આક્ષેપો કર્યા છે એ બદલ તેઓ માફી નહીં માગે તો પોતે એમની સામે માનહાનિનો કેસ કરશે.

ઉલ્લેખનીય છે કે મલિકના જમાઈ સમીર ખાને ફડણવીસને એમની સામે રૂ. પાંચ કરોડનો માનહાનિનો કેસ કરવાની નોટિસ મોકલી છે. સમીર ખાને કહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ પોતાની લેખિતમાં માફી માગે. મલિકનાં પુત્રી નિલોફર ખાને પોતાનાં ટ્વિટર હેન્ડલ પર એમનાં પતિએ મોકલેલી નોટિસનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે.

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ગયા જાન્યુઆરીમાં ડ્રગ્સના એક કથિત કેસમાં સમીર ખાનની ધરપકડ કરી હતી. સ્થાનિક કોર્ટે પુરાવાના અભાવનું કારણ આપીને સમીર ખાનને ગયા સપ્ટેમ્બરમાં જામીન પર છોડ્યા હતા. ફડવીસે ગઈ 1 નવેમ્બરે એક ન્યૂઝ ચેનલને એક નિવેદનમાં એમ કહ્યું હતું કે મલિકના જમાઈ પાસેથી ડ્રગ્સ મળી આવી હતી. સમીર ખાને તે આરોપને નકારી કાઢ્યા છે.