મહારાષ્ટ્ર એસએસસી પરીક્ષામાં 93.83% વિદ્યાર્થી પાસ થયા; છોકરીઓએ ફરી બાજી મારી

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ મહિનામાં લેવામાં આવેલી 10મા ધોરણ (એસએસસી)ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. રાજ્યનું કુલ પરિણામ 93.83 ટકા આવ્યું છે. એમાં કોકણ વિભાગની ટકાવારી સૌથી વધારે છે – 98.11 ટકા. સૌથી ઓછી ટકાવારી નાગપુર બોર્ડની છે – 92.5 ટકા. આ વખતની પરીક્ષામાં કુલ 14,34,898 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

પરીક્ષાનું પરિણામ ઈન્ટરનેટ પર આજે જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ વખતની પરીક્ષામાં પણ છોકરીઓએ બાજી મારી છે. છોકરાઓ કરતાં છોકરીઓ વધારે સંખ્યામાં પાસ થઈ છે. આ ટકાવારી 95.87 ટકા છે. રાજ્યભરમાં આ વખતે 15 લાખ, 77 હજાર, 256 વિદ્યાર્થીઓએ દસમા ધોરણની પરીક્ષા આપી હતી. એમાં 8 લાખ, 44 હજાર, 116 છોકરાઓ અને 7 લાખ, 33 હજાર, 067 છોકરીઓ હતી. રાજ્યમાં 5,033 કેન્દ્રોમાં દસમા ધોરણની પરીક્ષા લેવામાં આવી હતી.

મુંબઈમાં આ વખતે એસએસસીમાં 93.66 ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં છે. પાસિંગ ટકાવારીની દ્રષ્ટિએ રાજ્યમાં તમામ શૈક્ષણિક બોર્ડમાં મુંબઈ બોર્ડનું સ્થાન ચોથું રહ્યું છે. મુંબઈમાં 979 શાળાઓએ 100 ટકા રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. મુંબઈ વિભાગમાં 6 વિદ્યાર્થીને 100 ટકા માર્ક્સ આવ્યાં છે. મુંબઈમાં આ વખતે 3 લાખથી વધારે વિદ્યાર્થીઓએ દસમા ધોરણની પરીક્ષા આપી હતી.

નીચેની લિન્ક પર પરિણામ જોઈ શકાશેઃ 

mahresult.nic.in

 

https://ssc.mahresults.org.in

 

http://sscresult.mkcl.org