મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, મુલુંડની સંસ્થા ‘સર્જક મિલન’ના સહયોગથી જૂની રંગભૂમિની સવાસો વર્ષની સફરની ઉજવણી થઈ રહી છે. ૩ માર્ચ, 2024ના રવિવારે સાંજે ૫ વાગ્યે મુલુંડમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
૧૮૫3માં પારસી બિરાદરોએ મુંબઈમાં નાટ્યપ્રવૃત્તિની શરૂઆત કરી હતી, પછી એમાં હિન્દુઓએ ઝંપલાવ્યું. લગભગ ૧૭૦ વર્ષથી આ પ્રવૃત્તિ સતત ચાલતી રહી છે .જૂની રંગભૂમિ લગભગ સવાસો વર્ષ જેવી ચાલી અને ત્યારબાદ એનું સ્થાન નવી રંગભૂમિએ લીધું. આજે જેઓ ૭૦ની આસપાસ પહોંચ્યા છે એમણે પ્રભુલાલ દ્વિવેદી, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, બાપુભાઈ નાયક, જયશંકર ‘સુંદરી ‘આ બધાં નામને હૃદયમાં સાચવી રાખ્યાં હશે. ‘મીઠા લાગ્યા તે મને રાતના ઉજાગરા’ કે ‘નાગર વેલીઓ રોપાવ …’ગીતો હજી પણ એમના કાનના ઢોળાવ ઉપર સ્થિર ઊભાં હશે. જૂની રંગભૂમિ ટેકનિકલ દૃષ્ટિએ, અભિનય અને રજૂઆતની દ્રષ્ટિએ પણ અદભુત રહી. સેંકડોની સંખ્યામાં સંસ્થાઓ, કવિઓ, સંગીતકારો, અભિનેતા-અભિનેત્રી, દિગ્દર્શકો નિર્માતાઓ અને ટેકનીશીયનોએ પોતાનું ઉત્તમ યોગદાન આપ્યું.
આ કાર્યક્રમમાં જૂની રંગભૂમિના અભિનેત્રી તથા ગાયિકા મહેશ્વરી ચૈતન્ય અને રજની શાંતારામ રંગભીની રજૂઆત દ્વારા જૂનાં ગીતો રજૂ કરશે. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર ડોક્ટર રાજશેખર બ્રહ્મભટ્ટ જૂની રંગભૂમિનો આંખે દેખ્યો હાલ રજૂ કરશે. તો પ્રખ્યાત સંતુરવાદક અને અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મજમુદાર પગવાજા પર સંગીતના સૂર રેલાવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ સતીશ વ્યાસ સંભાળશે. આ કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન કવિ સંજય પંડ્યાનાં છે. આયોજન સહકાર રાજેશ ઠક્કર અને રમેશ બારોટનો છે. તો જૂની રંગભૂમિના ગીતો માણવા માટે રવિવારે પહોંચી જજો મુલુંડ!