મુંબઈઃ મહારાષ્ટ્રમાં આગામી જિલ્લા પરિષદ અને મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂર્વે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના પક્ષ અને પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળના વંચિત બહુજન આઘાડી પક્ષે જોડાણ કર્યું છે. આની જાહેરાત આજે અહીં સંયુક્ત પત્રકાર પરિષદમાં ઠાકરે અને આંબેડકર બંનેએ સાથે કરી હતી.
ઉદ્ધવ ઠાકરે શિવસેનાની સ્થાપના કરનાર સ્વ. બાળાસાહેબ ઠાકરેના જ્યેષ્ઠ પુત્ર છે જ્યારે પ્રકાશ આંબેડકર સ્વાતંત્ર્ય સેનાની અને ભારત દેશના બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ (બાબાસાહેબ) આંબેડકરના પૌત્ર છે.
શિવસેનામાં મોટા પાયે બળવો થયો છે ત્યારે પ્રકાશ આંબેડકરના પક્ષે કરેલી યુતિથી ઠાકરેને મોટી રાહત મળી છે. આ યુતિને કારણે શિવસેનામાં બળવો કરીને છૂટા થયેલા એકનાથ શિંદે અને ભાજપ વચ્ચેના જોડાણ માટે મુશ્કેલી વધી શકે છે.
પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મારા અને પ્રકાશ આંબેડકરના દાદા એકબીજાના સ્નેહી હતા. એમણે એ વખતે સમાજમાં પ્રવર્તતી ખરાબ રૂઢિઓ અને પરંપરાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ હવે રાજકારણમાં પ્રવર્તતી ખરાબ રૂઢિ અને પરંપરાને બદલવા માટે ઠાકરે અને આંબેડકર ખાનદાનના અમે વારસદારો એકત્ર થયા છીએ. લોકશાહીને જીવતી રાખવા માટે શિવસેના અને વંચિત એકત્ર થયા છે. મોદીની સભાઓમાં કેવી રીતે લોકોને લાવવામાં આવે છે તેની આપણને ખબર છે. તેથી રાજકારણની ગંદકી અને પ્રદૂષણનો અંત લાવવા માટે અમે આ જોડાણ કરવાનું નક્કી કર્યું છે.
પ્રકાશ આંબેડકરે કહ્યું કે, અમારા ઉમેદવારોને જિતાડવા એ મતદારોના હાથમાં છે, કોઈ પણ રાજકીય પક્ષના હાથમાં હોતું નથી. પરંતુ, ઉમેદવારી આપતી વખતે લોકોનું સામાજિકીકરણ થતું નથી. મહારાષ્ટ્રમાં સત્તા હાલ માત્ર 369 કુટુંબીજનો અને કેટલાક શ્રીમંતોના હાથમાં છે. સગાંવાદનું રાજકારણ સતત વધી ગયું હોવાથી ગરીબોને રાજકારણમાં કોઈ સ્થાન નથી. તેથી હવે રાજકારણમાં નવી બાબતો લાવવા માટે અમે શિવસેનાની સાથે જોડાયા છીએ.
(તસવીરોઃ દીપક ધુરી)