નોટબંધીએ લોકોને ભિખારી બનાવી દીધા છેઃ શિવસેના

મુંબઈ – કેન્દ્ર તથા મહારાષ્ટ્રમાં સરકારમાં ભારતીય જનતા પાર્ટીની ભાગીદાર પાર્ટી શિવસેનાએ ફરીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી છે. આ વખતે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં લખાયેલા તંત્રીલેખમાં નોટબંધી મુદ્દે વડાપ્રધાન મોદીની ઝાટકણી કાઢવામાં આવી છે.

‘સામના’ના તંત્રીલેખમાં ભાજપના એ નેતાઓને આડે હાથ લેવામાં આવ્યા છે જેઓ વડાપ્રધાન મોદીને ‘ભારતને ઈશ્વર તરફથી મળેલી ભેટ’ તરીકે ઓળખાવે છે. શિવસેનાએ લખ્યું છે કે ભગવાન તો નાગરિકો છે, પરંતુ સરકારે નોટબંધી બાદ એમને ભિખારી બનાવી દીધા છે.

‘ઘણા લોકો ભારતમાં બ્રિટિશ શાસનને દૈવી વ્યવસ્થા તરીકે ગણાવતા હતા, પણ બ્રિટિશ શાસન કોઈ રીતે ભગવાનની ગિફ્ટ નહોતી, એણે તો લોકોને લૂંટ્યા હતા. એ લોકો ભાગલા-પાડો-ને-રાજ-કરો નીતિ અજમાવીને આપણે ત્યાં દોઢસો વર્ષ સુધી રાજ કરી ગયા હતા. જે લોકો એવું સમજે છે કે હાલનું શાસન દૈવી છે તો એમણે ભગવાનનું અપમાન કરવાનું બંધ કરી દેવું જોઈએ. ભગવાન તો નાગરિકો છે અને સરકારના નોટબંધી નિર્ણયને કારણે તેઓ ભિખારી બની ગયા છે’, એવું ‘સામના’માં વધુમાં લખવામાં આવ્યું છે.

શિવસેનાએ મોદી સરકાર પર એવો આક્ષેપ કર્યો છે કે અનેક મોરચે લોકોને મળતી સફળતાનો શ્રેય મોદી સરકાર જાહેરખબરો દ્વારા પોતે લઈ રહી છે, પણ વિદર્ભમાં કપાસના પાક પર પેસ્ટિસાઈડ્સ દ્વારા કરાયેલા હુમલાના મુદ્દે ચૂપ કેમ છે. ધારો કે વિદર્ભમાં બેરોજગાર બની જનાર યુવાનો નક્સલવાદી બનશે તો એની જવાબદારી કોણ લેશે? એવો શિવસેનાએ સવાલ કર્યો છે.