મુંબઈઃ ‘રાઈટ ટૂ પી’ની ચળવળકાર મહિલાઓનો મોરચો પોલીસે અટકાવ્યો

મુંબઈ – દુનિયાભરમાં આજનો દિવસ ‘વર્લ્ડ ટોઈલેટ ડે’ તરીકે મનાવવામાં આવ્યો છે ત્યારે મુંબઈમાં એક સ્વૈચ્છિક સંસ્થાએ ‘રાઈટ ટૂ પી’ આંદોલન શરૂ કર્યું છે. મુંબઈમાં મહિલાઓ માટે પર્યાપ્ત સંખ્યામાં જાહેર શૌચાલયો નથી એવી ફરિયાદ કરતી આ સંસ્થાની મહિલાઓએ આજે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ તરફ મોરચો લઈ ગઈ હતી, પણ પોલીસોએ એમને અધવચ્ચે જ અટકાવી દીધી હતી.

આંદોલનકારી મહિલાઓની એવી પણ ફરિયાદ છે કે શહેરમાં મહિલાઓ માટે જે જાહેર શૌચાલયો છે ત્યાં ગંદકી બહુ હોય છે.

કંટાળેલી ‘રાઈટ ટૂ પી’ આંદોલનકારી મહિલાઓ આજે મુખ્યપ્રધાન ફડણવીસને ટમલર (ડબલું)ની ભેટ આપવા માટે એમના નિવાસસ્થાન તરફ મોરચો લઈને નીકળી હતી, પણ પોલીસોએ એમને આગળ વધતાં અટકાવી હતી.

નાગરિકો દ્વારા શૌચના અધિકાર માટે લડત ચલાવતી કમિટી ઓફ રીસોર્સ ઓર્ગેનાઈઝેશન્સ દ્વારા શરૂ કરાયેલા ‘રાઈટ ટૂ પી’ આંદોલનની મહિલા કાર્યકર્તાઓએ મહાનગરપાલિકાના વહીવટીતંત્રને પણ અનેકવાર ફરિયાદો કરી છે, પરંતુ કોઈ સમસ્યાનું કોઈ નિવારણ આવ્યું નથી.

એનાથી ઊલટું, મહાપાલિકાએ મુંબઈ શહેરને ખુલ્લામાં શૌચ-મુક્ત ઘોષિત કરાવીને આ મહિલા કાર્યકર્તાઓનાં ઘા પર મીઠું ભભરાવ્યું છે. એનાથી ભડકીને આ મહિલાઓ આજે મુખ્યપ્રધાન ફડણવીસને મળીને નિવેદન આપવા માગતી હતી. સાથોસાથ, એમને ટમલર (ગરીબ લોકો સંડાસ જતી વખતે લઈ જતા હોય છે એવું ડબલું કે વાસણ) તથા શહેરમાંના ગંદા શૌચાલયોનાં ફોટાઓ પણ આપવા માગતી હતી, પરંતુ ફડણવીસે આ મહિલાઓને મળવાનો ઈનકાર કરી દીધો હતો. તે છતાં મહિલાઓ મોરચો લઈને આગળ વધી હતી તેથી પોલીસોએ એમને અટકાવી દીધી હતી.