સેન્સર બોર્ડે ‘પદ્માવતી’ ફિલ્મ નિર્માતાઓને પરત કરી; દેખાવકારોને મુંબઈ પોલીસની ચેતવણી

મુંબઈ – સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ‘પદ્માવતી’ ફિલ્મને અમુક ટેકનિકલ કારણોસર તેના નિર્માતાઓને પરત કરી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે સેન્સર બોર્ડે અમુક મુદ્દા ઉઠાવ્યા છે એનો નિર્માતાઓ ઉકેલ લાવી દેશે એ પછી સેન્સર બોર્ડના સભ્યો ફિલ્મને ફરીથી જોશે એવું એએનઆઈ સમાચાર સેવાનો અહેવાલ જણાવે છે.

સંજય લીલા ભણસાલીના દિગ્દર્શનવાળી આ ફિલ્મ આવતી ૧ ડિસેમ્બરે રિલીઝ કરવાનું નિર્માતાઓએ નક્કી કર્યું છે.

‘પદ્માવતી’ ફિલ્મમાં ઐતિહાસિક હકીકતોને વિકૃત રીતે બતાવવામાં આવી હોવાનો આક્ષેપ કરીને દેશના અનેક ભાગોમાં કરણી સેના સહિત રાજપૂત સંગઠનોએ ઉગ્ર રીતે વિરોધ કરતાં આ ફિલ્મે મોટો વિવાદ સર્જ્યો છે.

દરમિયાન, ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો હટાવી દેવાની દાદ ચાહતી એક લૉયરે નોંધાવેલી અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ આજે સહમત થઈ છે.

એવા આક્ષેપો કરાયા છે કે ફિલ્મમાં રાજપૂત રાણી પદ્માવતીને ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યાં છે અને તેથી આ ફિલ્મ હિન્દુઓ તથા ખાસ કરીને રાજપૂત સમાજના લોકોની લાગણીને દુભાવનારી છે.

‘પદ્માવતી’ની રિલીઝ મુલતવી નહીં રખાયઃ નિર્માતાઓ

દરમિયાન, ‘પદ્માવતી’ના નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ મુલતવી રખાશે એવી અફવાઓનું ખંડન કર્યું છે અને દાવો કર્યો છે કે ફિલ્મ તેની નિર્ધારિત તારીખ ૧ ડિસેમ્બરે જ રિલીઝ થશે.

ફિલ્મની નિર્માતા કંપની વાયાકોમ18 મોશન પિક્ચર્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર અજિત અંધારેએ ટ્વીટ કરીને કહ્યું છે કે ‘પદ્માવતી’ની રિલીઝ મુલતવી રાખવાની અફવાઓ પાયાવિહોણી છે.

ઉક્ત બેનરે ભણસાલી પ્રોડક્શન્સની સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કર્યું છે અને તે ભારતભરમાં ફિલ્મનું વિતરણ કરવાની છે.

નિર્માતાઓને હજી સુધી સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યું નથી.

ચિતોડગઢ કિલ્લો બંધ કરાયો

દરમિયાન, રાજસ્થાનના ચિતોડગઢ શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ ચિતોડગઢ કિલ્લાને હાલપૂરતો બંધ કરી દેવાયો છે અને એમાં કોઈને પ્રવેશ અપાતો નથી. આ કિલ્લો ભારતમાં સૌથી મોટા કિલ્લાઓમાંનો એક છે અને યૂનેસ્કો સંસ્થાએ વર્લ્ડ હેરિટેજ સ્થળ તરીકે ઘોષિત કર્યો છે.

સર્વ સમાજ પ્રોટેસ્ટ કમિટીના સભ્યોએ આજે સવારે ૧૦ વાગ્યાથી ચિતોડગઢ કિલ્લાનો પહેલો દ્વાર બંધ કરી દીધો છે. સમિતિના સભ્ય રણજીત સિંહે કહ્યું કે અમે કોઈને પણ કિલ્લાની અંદર પ્રવેશવા નહીં દઈએ. અમારો વિરોધ શાંતિપૂર્ણ છે.

ગયા ઓક્ટોબરથી આ કિલ્લાની મુલાકાત લેવા માટે દરરોજ સરેરાશ ૩૦૦૦-૪૦૦૦ પર્યટકો આવતા હતા. કિલ્લા ખાતે અઢીસો જેટલા દેખાવકારો ધરણા પર બેઠા છે.

મુંબઈ પોલીસની દેખાવકારોને ચેતવણી

મુંબઈ પોલીસે દેખાવકારોને ચેતવણી આપી છે કે એમણે કાયદો પોતાના હાથમાં લેવાનું સાહસ કરવું નહીં.

એક નિવેદનમાં, જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) દેવેન ભારતીએ કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ કે જૂથના સભ્યો કાયદો હાથમાં લેવાનું સાહસ કરશે એમની સામે કડક રીતે પગલાં લેવામાં આવશે અને કાનૂની પગલું પણ ભરવામાં આવશે. અમે દરેક જણને સુરક્ષા પૂરી પાડવા પ્રતિબદ્ધ છીએ. દેખાવો લોકતાંત્રિક પ્રકારના હશે તો પોલીસ એમાં કોઈ હસ્તક્ષેપ નહીં કરે, પણ જે લોકોને તોફાનીઓ તરફથી ધમકી મળી છે એમને અમે ખાતરી આપીએ છીએ કે અમે તોફાનીઓને કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી કરવા નહીં દઈએ.

દેવેન ભારતીએ એમ પણ કહ્યું છે કે પદ્માવતી ફિલ્મમાં શિર્ષક ભૂમિકા ભજવનાર અભિનેત્રી દીપિકા પદુકોણને અપાયેલી ધમકીને પગલે એનાં અત્રેનાં નિવાસસ્થાન તથા ઓફિસ ખાતે પોલીસ બંદોબસ્ત વધારે મજબૂત બનાવી દેવામાં આવ્યો છે. એવી જ રીતે, અંધેરી (વેસ્ટ)ના વર્સોવા વિસ્તારમાં ભણસાલીના નિવાસસ્થાનની બહાર પણ પોલીસ સુરક્ષા કડક બનાવી દેવામાં આવી છે.