ખંડણીનો કેસઃ ઈકબાલ કાસકર, છોટા શકીલ સામે ચાર્જશીટ ફાઈલ કરાઈ

થાણે (મહારાષ્ટ્ર) – મુંબઈની પડોશના થાણે શહેરની પોલીસે શહેરના એક બિલ્ડરને ખંડણી માટે ધમકી આપવાના કેસમાં ભાગેડૂ જાહેર કરાયેલા માફિયા ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકર સામે આરોપનામું નોંધાવ્યું છે.

 

ચાર્જશીટમાં પોલીસે અન્ય ફરાર માફિયા ડોન છોટા શકીલ તથા બીજા જાણીતા કે અજાણ્યા ગેંગસ્ટરોનાં પણ નામ આપવામાં આવ્યા છે. આ ગેંગસ્ટરોમાં ઈસરાર જમિલ સઈદ, મુમતાઝ ઈજાઝ શેખ અને પંકજ ગંગરનો સમાવેશ થાય છે.

તપાસનીશ અધિકારી રાજકુમાર કોઠમીરેએ જણાવ્યું છે કે બિલ્ડર સુરેશ જૈને નોંધાવેલા ખંડણીના કેસમાં અમે આરોપીઓ સામે આજે સ્પેશિયલ MCOCA કોર્ટમાં 1,645 પાનાંની ચાર્જશીટ ફાઈલ કરી છે.

આરોપીઓ પર ભારતીય ફોજદારી ધારાની કલમો 384, 386, 387, 34 અને 120 (બી) તેમજ મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA)ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસ થાણેના કાસરવડાવલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

ખંડણીના એક કેસમાં ઈકબાલ કાસકર તથા અન્યો પર આરોપ છે કે એમણે ફરિયાદી પાસેથી થાણેના એક પોશ વિસ્તારમાં ખંડણી તરીકે ચાર રહેણાંક ફ્લેટ તેમજ રૂ. 30 લાખની રકમ માગી હતી.

આ તમામ આરોપીઓ – ઈકબાલ કાસકર, સઈદ, શેખ અને ગંગર હાલ બીજી ડિસેમ્બર સુધી અદાલતી કસ્ટડીમાં છે.

કાસકર 2016-17માં અનેક વાર થાણે આવ્યો હતો. થાણેના ઘોડબંદર રોડ પરના એક વૈભવશાળી હાઉસિંગ કોમ્પલેક્સમાં ચાર ફ્લેટનો કબજો મેળવવામાં એને સઈદ અને શેખે મદદ કરી હતી.

પોલીસે પુરાવા રૂપે આરોપીઓએ કરેલા ફોન કોલ્સના રેકોર્ડ મેળવ્યા છે, જેમાં એમણે બિલ્ડર અને ડેવલપરને કાસકરનું નામ આપીને ભયનું સામ્રાજ્ય ફેલાવવાની ધમકી આપી હતી. ઈકબાલ કાસકરે ચારમાંના ત્રણ ફ્લેટ વેચી દીધા હતા.

પોલીસે ઈકબાલ કાસકરને ગઈ 18 સપ્ટેંબરે મુંબઈમાં નાગપાડા વિસ્તારસ્થિત એના ઘરમાંથી પકડ્યો હતો.