મુંબઈઃ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી યોજવા બાબત સુપ્રીમ કોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારને અમુક સવાલ પૂછ્યા છે તો ચૂંટણી પંચને અમુક આદેશ આપ્યા છે. કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે કે રાજ્યના જે ભાગોમાં ચોમાસાનો વરસાદ ઓછો પડે છે ત્યાં ચૂંટણી યોજવામાં તમને મુશ્કેલી હોવી ન જોઈએ તેથી એવા જિલ્લાઓ વિશે પુનર્વિચારણા કરી ચૂંટણી કાર્યક્રમ હાથ ધરો.
મુંબઈ સહિત રાજ્યના અનેક શહેરોમાં વિલંબિત થયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજવા વિશે બે સપ્તાહમાં જવાબ આપવાનો કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ગઈ 4 મેએ આદેશ આપ્યો હતો. વરસાદની મોસમમાં ચૂંટણી યોજવી પડશે કે કેમ એ વિશે સવાલ ઊભો થયો હતો. પરંતુ, ચૂંટણી પંચે કોર્ટને જણાવ્યું છે કે વરસાદની મોસમમાં ચૂંટણી યોજવી વહીવટીતંત્ર માટે મુશ્કેલ છે. તે રજૂઆત સામે કોર્ટે કહ્યું કે, જે સ્થળોએ વરસાદ ખાસ પડતો ન હોય ત્યાં ચૂંટણી યોજવા તમારે ઓક્ટોબર-નવેમ્બર સુધી રાહ જોવાની જરૂર નથી. મુંબઈમાં જૂન-સપ્ટેમ્બરમાં ખૂબ વરસાદ પડે છે તો ત્યાં તમે પાછળથી ચૂંટણી યોજી શકો છો.
મુંબઈમાં વરસાદને કારણે અવારનવાર થતી જળબંબાકારની સ્થિતિમાં મહાપાલિકાના કર્મચારીઓ જાનહાનિ રોકવા અને આર્થિક નુકસાન થતું રોકવા જેવા ઘણા કામોમાં વ્યસ્ત રહેતા હોય છે તેથી એવામાં જો ચૂંટણીના કામો આવી પડશે તો કર્મચારીઓના અભાવે સરકારને મુશ્કેલી થઈ પડશે. તેથી મુંબઈમાં બીએમસી (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) ચૂંટણી ઓક્ટોબરમાં સુધી મુલતવી રાખવી જોઈએ એવો પત્ર મુંબઈ મહાપાલિકાએ રાજ્યના ચૂંટણી પંચને આપ્યો હતો. આની જાણ ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કરી હતી.