રજનીકુમાર પંડ્યાને પ્રથમ ‘સાંદીપનિ સારસ્વત ગૌરવ એવોર્ડ’ એનાયત

મુંબઈઃ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સંસ્થાપિત સાંદીપનિ વિધાનિકેતન દ્વારા દર વરસે વિવિધ એવોર્ડ મારફત જે-તે ક્ષેત્રના મહાનુભાવોનું સન્માન કરાય છે. જેમાં બ્રહમર્ષિ, મહર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ એવોર્ડ એનાયત થાય છે. આમાં હવે સોનામાં સુગંધ ભળે એવું નવું નામ ઉમેરાયું છે. આ વરસથી ‘સાંદીપનિ સારસ્વત ગૌરવ એવોર્ડ’ અપાવાનું શરુ થયું છે. જેમાં લલિતકલા-સાહિત્ય ક્ષેત્રના મહાનુભાવોને આવરી લેવામાં આવશે.

ગયા રવિવારે આ પ્રથમ સારસ્વત ગૌરવ એવોર્ડ સુવિખ્યાત લેખક-સાહિત્યકાર-સમાજલક્ષી કાર્યકર્તા રજનીકુમાર પંડ્યાને એનાયત થયો. આ એવોર્ડ-સન્માનપત્ર અને રુ.૫૧ હજારની રકમનો ચેક ભાઈશ્રીના હસ્તે તેમને અપાયો. આ પ્રસંગે ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન સંસ્થાના ચેરમેન સાહિત્યકાર-ચિંતક દિનકર જોષી અને જાણીતા નાટ્યલેખક પ્રવિણ સોલંકી હાજર રહ્યા હતા અને તેમણે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. અંધેરી ભવન્સ કલ્ચરલ સેન્ટર ખાતે એસ.પી. જૈન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ હોલમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં સંખ્યાબંધ સાહિત્યપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમનું રસપ્રદ શૈલીમાં સંચાલન ભાગ્યેશભાઈ ઝા એ કર્યુ હતું. જ્યારે આભારવિધિ કરુણાશંકર ભાઈ ઓઝાએ કરી હતી. ભાઈશ્રીએ આ સન્માનને ભાવપૂજન જેવું ઊંચેરું નામ આપ્યું હતું. રજનીકુમાર પંડ્યાએ પોતાની પ્રસન્નતા વ્યકત કરવા સાથે કેટલાંક યાદગાર પ્રસંગો કહ્યા હતા. ભવન્સ કલ્ચરલ સેન્ટર વતી લલિતભાઇ શાહે કાર્યક્રમ માટે સુંદર વ્યવસ્થા કરી આપી હતી.