મહારાષ્ટ્રના પ્રધાનને ધમકી આપવા બદલ RTI કાર્યકર્તાની ધરપકડ

મુંબઈઃ મહારાષ્ટ્રના પ્રધાન દીપક કેસરકરને કથિતપણે ધમકી આપવા બદલ અને એમની પાસેથી ખંડણીના પૈસા લેવાનો પ્રયાસ કરવા બદલ મુંબઈ પોલીસે રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) એક્ટના એક કાર્યકર્તાની ધરપકડ કરી છે. કેસરકરના એક સમર્થકે દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને પગલે પોલીસે કાર્યકર્તાની ધરપકડ કરી છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ, આરોપી કેસરકરને છેલ્લા બે-ત્રણ વર્ષથી ઓળખતો હતો અને તે એમની પાસેથી ખંડણીની માગણી કરતો રહેતો હતો. આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ પોલીસે એની સામે ઈન્ડિયન પીનલ કોડની કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. ધરપકડ કર્યા બાદ પોલીસોએ આરોપીને એક સ્થાનિક કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે આરોપીને બુધવાર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. કેસરકર સાવંતવાડી (સિંધુદુર્ગ જિલ્લો)ના વિધાનસભ્ય છે અને એકનાથ શિંદેની સરકારમાં મરાઠી ભાષાના જતન માટેના ખાતાના પ્રધાન છે.