રિયા ચક્રવર્તિને હત્યાની ધમકીઃ મુંબઈ પોલીસે ફરિયાદ નોંધી

મુંબઈઃ દિવંગત બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ અને મોડેલ-અભિનેત્રી રિયા ચક્રવર્તિને બળાત્કાર અને હત્યાની ધમકી આપનાર સામે મુંબઈના સાંતાક્રૂઝ ઉપનગરના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી છે.

સુશાંત સિંહે ગઈ 14 જૂને કથિતપણે આત્મહત્યા કર્યા બાદ રિયા સોશિયલ મિડિયાથી દૂર રહી હતી.

તે છતાં સુશાંતના મૃત્યુના એક મહિના બાદ એણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની પહેલી પોસ્ટ મૂકી હતી, જેમાં એણે સુશાંત સાથે એની સારી યાદ પ્રસ્તુત કરી હતી.

એ પછી બીજી પોસ્ટમાં એણે પોતાને ઈન્સ્ટાગ્રામ પર મળેલા ધમકીભર્યા સંદેશાઓ શેર કર્યા હતા.

આ બાબતમાં મદદ કરવાની રિયાએ મુંબઈ પોલીસના સાઈબર ક્રાઈમ વિભાગને વિનંતી કર્યા બાદ પોલીસના માર્ગદર્શન મુજબ એણે સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં બે ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેના આધારે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.

રિયાએ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદાની 507, 509 અને 66 કલમો અંતર્ગત ફરિયાદ નોંધાવી છે.

રિયા સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનની નજીકમાં જ રહે છે.

ગઈ કાલે એ પોલીસ સ્ટેશનમાં ગઈ હતી અને પોતાની પર બળાત્કાર કરીને મારી નાખવાની ધમકી આપનાર બે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટધારક સામે ફરિયાદ નોંધાવી હતી.

@mannu_raaut નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારકે રિયાને ધમકી આપી હતી કે જો તું આત્મહત્યા નહીં કરે તો તારી પર બળાત્કાર કરવામાં આવશે અને તને મારી નાખવામાં આવશે.

રિયાએ પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ પર આ પોસ્ટ શેર કરવા સાથે મુંબઈના સાઈબર ક્રાઈમ વિભાગને વિનંતી કરી હતી કે તે આની સામે જરૂરી પગલું ભરે. બહુ થયું હવે.

સુશાંત સિંહ ગઈ 14 જૂને બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરના કાર્ટર રોડ પર આવેલા તેના ડુપ્લેક્સ નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે કહ્યું હતું કે સુશાંતે આત્મહત્યા કરી હતી.

સુશાંતના મોતના સંબંધમાં બાન્દ્રા પોલીસે રિયાની પણ પૂછપરછ કરી હતી. પૂછપરછનો એ દોર નવ કલાક સુધી ચાલ્યો હતો.

રિયાએ ગઈ 14 જુલાઈએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ સોશિયલ મિડિયા મારફત અપીલ કરી હતી કે સુશાંતના મોતના કેસમાં કેન્દ્રીય એજન્સી સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે.