મુંબઈઃ શહેર તથા ઉપનગરોમાં કોરોના વાઈરસના કેસ અચાનક ફરી વધી જતાં વહીવટીતંત્ર અને મહારાષ્ટ્ર સરકાર ચિંતિત થઈ ગઈ છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધી જતાં કડક બનેલા મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અનેક મકાનોને સીલ કરી દીધા છે. અત્યાર સુધીમાં 1,300થી વધારે મકાનોને સીલ કરી દેવામાં આવ્યા છે. કોઈ મકાનમાં કોરોનાના પાંચ કેસ પણ થાય તો આખું મકાન સીલ કરી દેવામાં આવે છે. શહેરમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા પણ વધીને 93 થઈ ગઈ છે. ટી-વોર્ડ (મુલુંડ)માં સૌથી વધારે – 233 કેસ થયા છે.
દરમિયાન, કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડો. શશાંક જોશી એક સવાલના જવાબમાં ઈન્ડિયા ટુડેને જણાવ્યું છે કે મુંબઈમાં લોકલ ટ્રેન સેવાઓ બધાયને માટે શરૂ કરાઈ એ પણ શહેરમાં કોરોના વાઈરસના કેસ ફરી વધી જવા પાછળનું એક કારણ છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે 10 મહિનાના ગાળા બાદ ગઈ બીજી ફેબ્રુઆરીથી સામાન્ય જનતા માટે દિવસ દરમિયાન નિશ્ચિત કલાકો માટે લોકલ ટ્રેનોમાં સફર કરવાની પરવાનગી આપી છે.